રાંચીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને પોતાની પત્ની સાક્ષી આજે એટલે કે 4 જુલાઈએ 10મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યાં છે. 2010માં બંનેએ લગ્ન કરીને હંમેશ માટે એક-બીજાના થઈ ગયા હતા. ક્રિકેટની દુનિયામાં આજે આ યુગલ લોકપ્રિય જોડીઓમાં સામેલ છે.
કોમન ફ્રેન્ડ કરાવી હતી મુલાકાત
4 જુલાઈ 2010ના દિવસે ધોની લગ્નના સંબંઘમાં બંધાયો હતો. આ વર્ષે ધોની પોતાની 10મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી સિંહ રાવતની લવ લાઈફ અને લગ્નની કહાણી પણ એક ફિલ્મ જેવી જ છે. એક બોલિવૂડ ફિલ્મની જેમ બંને નાનપણમાં મળ્યા અને છૂટા પડી ગયા હતાં. વર્ષો બાદ એક કૉમન ફ્રેન્ડ દ્વારા તેમની મુલાકાત થઈ, બાદમાં આ મુલાકાત પ્રેમમાં પરિણમી અને લગ્ન પછી આજે આ સંબંધને 10 વર્ષ પૂરા થઈ ગયા છે.
બાળપણમાં હતી મિત્રતા....
ધોનીના પિતા પાનસિંહ અને સાક્ષીના પિતા આર.કે સિંહ રાચીની એક કંપની મેકૉનમાં સાથે કામ કરતાં હતા. આ દરમિયાન રાંચી જવાહર વિદ્યામંદિરમાં થોડા સમય માટે ધોની અને સાક્ષીએ સાથે અભ્યાસ કર્યો હતો. જો કે, ધોની સ્કૂલમાં સીનિયર હતા. આર.કે સિંહે નોકરીમાં થયેલી બદલીના કારણે રાંચી છોડવું પડ્યું હતું અને સાક્ષી અને ધોની છૂટા પડી ગયા હતા, ત્યારબાદ ઘણા વર્ષો પછી ફરી એકવાર બંનેની મુલાકાત થાય છે.
કોલકાતાની હોટલમાં થઈ હતી મુલાકાત...
વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાની સાથે ધોની પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમાવા માટે કોલકાતા પહોચ્યાં હતા. જ્યાં એક હોટલમાં ધોનીના મિત્ર યુદ્ધજીતા દત્તાએ સાક્ષી સાથે મુલાકાત કરાવી હતી, ત્યારબાદ બંનેના પ્રેમની શરૂઆત થઈ હતી. લગભગ 3 વર્ષ સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. દેહરાદૂનની એક હૉટલમાં 3 જુલાઈએ બંનેએ સગાઈ કરીને લગ્ન કર્યા હતાં.
સાક્ષી અને ધોનીની લવ લાઈફ ઘણી રોમાન્ટિક છે. તેમની દીકરીનું નામ જીવા છે, જે ખૂબ જ ક્યૂટ છે. સાક્ષી ઘણીવાર પોતાના ઈન્સ્ટાગ્રામ ધોની અને જીવાના વીડિયો શેર કરે છે. હાલ કોરોનાના કારણે છેલ્લા 3 મહિનાથી ધોની પોતાના પરિવાર સહિત સાથે હોમટાઉનમાં સમય પસાર કરી રહ્યો છે.