મુંબઇઃ ફિલ્મ અભિનેતા વરૂણ ધવને હાલમાં જ કરીમ મોરાનીની દિકરી ઝોયા મોરાનીની એક સેલ્ફી શેર કરતાં આ વાતની જાણકારી આપી હતી કે, તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જો કે, વરૂણે હોસ્પિટલમાંથી લીધેલો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રીપોસ્ટ કર્યો હતો.
આ ફોટામાં તે ડૉકટરોની સાથે માસ્ક પહેરેલી સેલ્ફી લેતી જોવા મળી છે. જે તેનાથી થોડા દૂર ઉભા છે અને એક રૂમમાં છે. વરુણે તેના પર લખ્યું કે, આપણા ડૉકટર્સ વાસ્તવમાં એક ઉલ્લેખનીય કામ કરી રહ્યા છે.
આ ફોટાને ઝોયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, મારા યોદ્ધાઓને અલવિદા કહેવાનો સમય આવ્યો છે અને હું હંમેશા મારી પ્રાર્થનાઓમાં તેમને યાદ રાખીશ. ગુડ બાય આઇસોલેશન ICU #homesweethomeનો સમય...
વધુમાં જણાવીએ તો શનિવારે ઇન્સ્ટાગ્રામ લાઇવમાં વરુણે ઝોયાને કોરોનાને કારણે તેમની તબિયતમાં આવેલા ફેરફાર વિશે પણ વાત કરી હતી. આ વાતચીતમાં ઝોયાએ કહ્યું કે, ઉધરસ અને તાવ આવવા લાગ્યો હતો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઇ રહી હતી. જેથી તેમને કોરોનાના લક્ષણ દેખાતાં હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.
ઝોયાએ લોકોને એમ પણ કહ્યું કે, લોકોએ ડરવાની જરૂર નથી. એકવાર હોસ્પિટલમાં તમારી સારવાર શરૂ થશે એટલે તમને ખબર પડશે કે, આ મુશ્કેલ નથી. આનાથી ડરવાની કોઇ જરૂર નથી.