બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને બુધવારે તેની આગામી ફિલ્મ 'શકુંતલાદેવી-હ્યુમન કમ્પ્યુટર'નું શૂટિંગ પૂર્ણ થવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ હ્યુમન કમ્પ્યુટર તરીકે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શકુંતલાદેવીની ભૂમિકા ભજવી છે.
વિદ્યાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મના સેટની તસ્વીરો શેર કરી છે, જેમાં તે કેક કાપીને ફિલ્મના તમામ કલાકારો અને ક્રૂ સાથે શૂટિંગ પતાવ્યાની ઉજવણી કરી રહી છે. તસ્વીરોમાં વિદ્યા કેક કાપતી વખતે દિગ્દર્શક અનું મેનન અને નિર્માતા વિક્રમ મલ્હોત્રા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.
આ ફિલ્મ ગણિતશાસ્ત્રી શકુંતલાદેવીના જીવન પર આધારીત છે. જેઓ અસાધારણ ગાણિતીક ક્ષમતા ધરાવતા હતા. તેઓ ગણિતની અઘરી ગણતરીઓ સહેલાઇથી આંગળીના વેઢે કરી શકતા. તેમની આ ક્ષમતા ત્યારે જાહેર થઈ જ્યારે તેમણે 5 વર્ષની ઉંમરે 18 વર્ષીય વિદ્યાર્થીઓની ગણિતની સમસ્યાનું નિરાકરણ કર્યું. તેમણે ક્યારેય ઔપચારિક શિક્ષણ લીધું ન હતું. તેમની ક્ષમતાઓ માટે તેમને 1982માં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
અભિનેત્રી વિદ્યા બાલને ગયા મહિને જ આ ફિલ્મનો તેનો લુક અને મોશન પોસ્ટર બહાર પાડ્યા હતા, જેમાં તે ટોમ બોય હેરકટ સાથે શકુંતલાદેવી જેવી લાલ સાડી અને તેના કપાળ પર એક મોટા ચાંદલામાં એકદમ પરફેક્ટ લાગી રહી હતી.