અમિતાભ બચ્ચનનું નામ બોલિવુડ જગતમાં ફક્ત નામ નથી, પરંતુ તેઓ સ્વયં એક હસ્તી છે. જેઓએ અભિનય, ગાયક, નિર્માતા, ટેલિવિઝન હોસ્ટ અને સાંસદ તરીકે આગવી ભૂમિકા સાથે ઓળખ બનાવી છે. તેઓની મહેનતનું જ આ પરિણામ છે, જેને કારણે આજે તેઓને સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મો સાથે સાથે અમિતાભ બચ્ચન સામાજીક કાર્યો તેમજ અન્ય અભિયાન સાથે જોડાયેલા રહ્યાં છે. તેઓ પોલિયો નાબૂદી અભિયાન, HIV અને સ્વચ્છતા અભિયાન જેવા કાર્યોમાં પણ સક્રિય છે. 76 વર્ષની ઉંમરમાં પણ તેઓ પોતાના કાર્યો પ્રત્યે આજે પણ એટલા જ સક્રિય છે અને એટલી જ મહેનત કરી છે. જેટલા તેઓ શરુઆતી કરીયરમાં મહેનતું હતા અને એટલા આજે પણ મહેનતું છે. જેથી જ દાદા સાહેબ ફાળકે એવોર્ડનું સન્માન મળ્યું છે.
શું છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
દાદા સાહેબ ફાળકે એવોર્ડ ભારત સરકાર તરફથી આપવામાં આવતો ફિલ્મ ઉદ્યોગનો સૌથી મોટો એવોર્ડ છે. આ એવોર્ડ દર વર્ષે એવા વ્યક્તિને આપવામાં આવે છે. જેણે ભારતીય સિનેમાને પોતાનું વિશેષ યોગદાન આપ્યું હોય. તમને જણાવી દઈએ કે, આ પુરસ્કારની શરુઆત વર્ષ 1969માં થઈ હતી. જેમાં સુવર્ણ કમળ સાથે 10 લાખ રુપિયા પણ આપવામાં આવે છે. પ્રથમ વખત આ સન્માન અભિનેત્રી દેવિકા રાનીને મળ્યું હતું.
અમિતાભ બચ્ચનનું અંગત જીવન અને શિક્ષણ
અમિતાભ બચ્ચનના પિતાનું નામ હરિવંશ રાય બચ્ચન છે. હરિવંશ રાયજી એક પ્રસિદ્ધ હિંદી કવિ અને લેખક હતા. તેમની માતાનું નામ તેજી બચ્ચન હતું. પોતાના પિતાની જેમ અમિતાભ બચ્ચન પણ કવિતાઓ લખે છે. જેને તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં શેયર કરતા રહે છે. અમિતાભનો જન્મ 11 ઓક્ટોબર, 1942ના રોજ ઈલાહાબાદ (હાલનું પ્રયાગરાજ)માં થયો હતો. અમિતાભ બચ્ચનને શેરવુડ કોલેજ, નૈનીતાલમાં અભ્યાસ કર્યો છે, ત્યારબાદ તેઓએ આગળનો અભ્યાસ દિલ્હી યુનિવર્સિટીની કિરોરીમલ કોલેજમાંથી કર્યો છે.
અમિતાભ બચ્ચનનું કરિયર
અમિતાભ બચ્ચને પોતાના કરિયરની શરુઆત 'સાત હિંદુસ્તાની' થી કરી હતી. જે બાદ તેમણે કેટલીયે ફિલ્મો કરી, પરંતુ ફિલ્મ 'જંજીર'ના રિલીઝ બાદ તેમના કરિયરમાં ચાર ચાંદ લાગી ગયા હતા. કેટલીયે હિટ ફિલ્મો કર્યા બાદ તેઓને એવી પ્રસિદ્ધી હાંસલ કરી કે 'સદીના મહાનાયક' તરીકે ઓળખવા લાગ્યા.
અમિતાભ બચ્ચન રાજનીતિમાં આવ્યાં
બિગ બીના જીવનમાં એક એવો સમય પણ આવ્યો જ્યારે તેઓને ફિલ્મી દુનિયા સાથે અંતર રાખવું પડ્યું. ઉલ્લેખનીય છે કે, 'કુલી'ના સેટ પર તેઓને ઈજા પહોંચ્યાં બાદ એવું લાગ્યું કે, હવે તેઓ ફિલ્મોમાં પોતાની ભૂમિકા ભજવવા માટે અસમર્થ છે. જેના બાદ અમિતાભ બચ્ચન રાજકારણ ગયા. આઠમી લોકસભા ચૂંટણી ઈલાહાબાદ ઉત્તરપ્રદેશની બેઠક પરથી લડ્યા અને જીત મેળવી, પરંતુ તેઓ આ ક્ષેત્ર વધારે સમય સુધી સક્રિય ન રહ્યા અને ફરી ફિલ્મી દુનિયામાં પરત ફર્યા.
અમિતાભ બચ્ચનનું પારિવારિક જીવન
અમિતાભ બચ્ચને જયા ભાદુરી સાથે લગ્ન કર્યા. જયા અભિનેત્રી અને સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં સાંસદ છે. અમિતાભ બચ્ચનને 2 બાળકો છે. જેમાં પુત્રી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન. શ્વેતાના લગ્ન બિઝનેસમેન સાથે થયા અને અભિષેકના લગ્ન બોલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે થયા. ઐશ્વર્યા અને અભિષેકની એક પુત્રી છે. જેનું નામ આરાધ્યા છે. અમિતાભ પણ પરિવાર પ્રત્યેની તમામ જવાબદારીઓ નિભાવી છે. ઘણી ઇવેન્ટ્સમાં સમગ્ર પરિવાર સાથે જોવા મળતા હોય છે. અમિતાભની હાલની ઓળખ KBCના મંચ પરની છે. આજે પણ પિતાને યાદ કરી બચ્ચન કવિતાઓ કહેતા હોય છે.