મુઝફ્ફરપુર, બિહાર: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન, કરણ જોહર અને 12 ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદને કોર્ટે ફગાવી દીધી છે. એડવોકેટ સુધીર ઓઝાએ કહ્યું કે, કોર્ટના નિર્ણયથી તેઓ નિરાશ થયા છે. હવે તે આ મામલે ઉચ્ચ અદાલતમાં રિવ્યુ પિટિશન ફાઇલ કરશે.
અગાઉ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નોંધાયેલી ફરિયાદની સુનાવણી આજે મુઝફ્ફરપુર કોર્ટમાં થઈ હતી. જયાં ફરિયાદીએ આ બાબતે કોર્ટને આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. જ્યારે નિર્માતા નિર્દેશકના વકીલે કોર્ટના અધિકારક્ષેત્રની બહાર હોવાથી મામલો બરતરફ કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે એડ્વોકેટ સુધીર ઓઝાની માંગ સાથે અસંમત હોવાથી તેમની અરજી નામંજૂર કરી હતી.
આ પહેલા પણ ગત શુક્રવારે આ જ કેસમાં મુઝફ્ફરપુર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે બાદ કોર્ટે આ નિર્ણય 8 જુલાઇ સુધી મોકૂફ રાખ્યો હતો. જેમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાન વતી પટના હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ એન.કે.અગ્રવાલે સુનાવણીમાં હાજરી આપી હતી. 17 જૂને સલમાન ખાન, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપડા, કરણ જોહર, સાજીદ નડિયાદવાડલા, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજયન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ સિવાય બુધવારે અભિનેતા સુશાંત સિંહ કેસમાં અભિનેતા સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, સાજીદ નડિયાદવાલા, ભૂષણ કુમાર, દિનેશ વિજયન વિરુદ્ધ ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના સ્થાનિક નેતા ડો.અજિતકુમાર સિંહે આરોપ લગાવ્યો છે કે, સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી. પરંતુ તેમને કાવતરું અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવાની ફરજ પાડવામાં આવી છે.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઇના તેના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અત્યાર સુધીની તપાસમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા અને ગૂંગળામણ હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ પોલીસ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.