મુંબઇ: અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી અને બધાને આઘાતમાં મૂકી દીધા છે. ફેંસ, બોલિવૂડ હસ્તીઓ, મિત્રો અને પરિવારજનોને કોઈને પણ અપેક્ષા ન હતી કે, આવા જિંદાદીલ અભિનેતા આટલું કઠોર પગલું ભરશે.
શરૂઆતના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, તે ડિપ્રેશનથી પીડાતા હતા, ત્યારબાદ બોલિવૂડમાં 'નેપોટિઝમ', 'લોબીંગ' અને 'સ્ટાર પાવરપ્લે' ને લઈને ઘણી ટીકા થઈ હતી. ઘણા સ્ટાર્સે આ વિશે પોતાના અનુભવો ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર શેર કર્યા, તેમાં અભિનેતા અભય દેઓલ પણ હતા.
અભિનેતાએ થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, ઇન્ડસ્ટ્રીમાં દરેકનો અનુભવ અલગ અલગ હોય છે. અભયે તેની 2011 ની હિટ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યારે તેને અને ફરહાન અખ્તરને એવોર્ડ શોમાં કો-સ્ટાર તરીકે અને ઋત્વિકને મુખ્ય અભિનેતા તરીકે નામાંકિત કરવામાં આવ્યા, જ્યારે ફિલ્મની સ્ટોરી ત્રણ મિત્રોની હતી.
સુશાંતની આત્મહત્યાના સમાચાર મળતા, અભયે દુઃખ વ્યક્ત કરતાં સુશાંતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોમાં અભયે સોશિયલ મીડિયા પર તેમની 'મનોરમા સિક્સ ફીટ અન્ડર', 'એક ચાલીસ કી લાસ્ટ લોકલ', 'જિંદગી ના મિલેગી દોબારા' અને 'દેવ ડી' જેવી વિવિધ પ્રકારની ફિલ્મો વિશે ઘણી પોસ્ટ શેર કરી હતી.
અભિનેતાને છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ ‘વોટ આર ડી ઓડ્સ’ માં રોક સિંગર તરીકે જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં યશસ્વિની દયમા, મોનિકા ડોગરા, પ્રિયંકા બોઝ, મનુ ઋષિ, કરણવીર મલ્હોત્રા અને સુલભા આર્યા પણ હતા.