- સોનુ સુદે સરકારને કરી બાળકો માટે અપીલ
- જે બાળકોએ કોરોનામાં પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેઓને મળે મફત શિક્ષણ
- આવનાર સમયમાં 3 ફિલ્મમાં દેખાશે સોનુ સુદ
દિલ્હી: બોલીવુડ અભિનેતા સોનુ સૂદે સરકાર અને સેવાભાવી સંસ્થાઓને અપીલ કરી છે કે જે બાળકોએ રોગચાળામાં પોતાના માતાપિતા ગુમાવ્યા છે તેવા બાળકોના ભવિષ્ય વિશે તેઓ વિચાર કરે.
બાળકોને ભણાવાની કરી અપીલ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદે ઇન્સટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે સરકારને અપીલ કરી છે કે કોરોના મહામારીમાં જે બાળકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેવા બાળકોને ફ્રીમાં શિક્ષણ આપવું જોઈએ. તાજેતરમાં કોરોનાવાયરસથી સ્વસ્થ થયેલા સુદે કહ્યું હતું કે, "હું સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા સંસ્થાઓ કે જે લોકોને મદદ કરવા માટે પ્રયત્ન કરી રહી છે, તેમને વિનંતી કરવા માંગુ છું કે એક નિયમ હોવો જોઈએ કે જે બાળકોએ કોવિડ -19 દરમિયાન કુટુંબના સભ્યો ગુમાવ્યા છે, તેવા બાળકોનું શિક્ષણ, વિનામૂલ્યે શાળાથી કોલેજ સુધી, તે કોઈ સરકારી શાળા અથવા ખાનગી શાળામાં થાય.
અન્ય સ્ટાર્સે પણ કર્યો સપોર્ટ
વિડિઓ પોસ્ટ થયાના થોડા કલાકોમાં 1 મિલિયનથી વધુ વ્યુઝ મેળવવાની સાથે, તેણે લખ્યું, "આપણે એવા લોકો માટે સાથે આવવાની જરૂર છે જેમણે આ મહામારીમાં તેમના પરીવારને ગુમાવ્યો છે. ઘણા સાથી હસ્તીઓ અને ચાહકોએ કમેન્ટ કરી હતી અને આ મુદ્દો જાહેરમાં લાવવા માટે સ્ટારની પ્રશંસા કરી હતી. વરુણ ધવન, સોનાક્ષી સિંહા અને અન્ય જેવા ઘણા સ્ટાર્સે આ પોસ્ટ રીશેર કરી હતી અને સરકાર પાસે આ મુદ્દે મદદ માંગી હતી.
આ પણ વાંચો : અજય દેવગને યશરાજની અગામી ફિલ્મ સુપરહિરો માટે ના પાડી
કોરોના જાગૃતિ માટે એક અભિયાન
ઘણા બોલિવુડ સ્ટારની જેમ સોનુ સુદ પણ કોરોના પોઝિટિવ થયો હતો અને 23 એપ્રિલે તેણે કોરોનાને મ્હાત આપી હતી. હાલમાં તેણે કોરોના રસીનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. અભિનેતાએ સોશ્યિલ મીડિયા દ્વારા હોસ્પિટલની તસવીર શેર કરી હતી. રસી લેવાની સાથે અભિનેતાએ સંજીવની- એ શોટ ઓફ લાઈફ નામનું એક અભિયાન શરૂ કર્યુ હતું જેમાં લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને કોરોના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે.
આવનાર સમયમાં આવશે 3 ફિલ્મ
સોનુ સૂદે તાજેતરમાં 'કિસાન' નામની નવી ફિલ્મની વિશે જણાવ્યું છે જેનું નિર્દેશન ઇ નિવાસ દ્વારા કરવામાં આવશે અને ફિલ્મ નિર્માતા રાજ શાંડિલ્યા દ્વારા સપોર્ટ આપવામાં આવશે. તે સિવાય, તેઓ ચિરંજીવી સાથે આગામી તેલુગુ ફિલ્મ 'આચાર્ય'માં પણ જોવા મળશે. સોનુ અક્ષય કુમાર સાથે ફિલ્મ 'પૃથ્વીરાજ'માં પણ જોવા મળશે, જે આ વર્ષે 5 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.