પણજી: સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ગોવા એરપોર્ટના એક કર્મચારીની હાથમાંથી ફોન ઝૂંટવી લે છે, જે તેની સાથે સેલ્ફી લેવા જઇ રહ્યો હતો. જે બાદ NSUI દ્વારા સલમાનને ગોવા જાવા પર પ્રતિબંધ રાખવાની માગ કરવામાં આવી છે.
આ વાયરલ વીડિયો મંગળવારનો છે. જેમાં ગોવા એરપોર્ટ પર સલમાન એક ફેનનો મોબાઈલ છીનવી લે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ફેન સલમાન ખાન સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સલમાન ખાનના ફેન તેની આ હરકતથી ઘણાં જ નારાજ છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે અને કહી રહ્યાં છે સલમાનને કઈ વાતનો આટલો એટીટ્યૂડ છે? એક યુઝરે લખ્યું, હું તમારો ફેન છું પણ આવું વર્તન કરવું ખોટું છે.
આવી ઘટના પહેલી વખત નથી બની, જ્યારે સલમાનનો ગુસ્સો જોવા મળ્યો છે. જોકે, સામાન્ય રીતે સલમાન ઘણા જ કૂલ અંદાજમાં જોવા મળે છે, પણ ક્યારેક-ક્યારેક ફેન્સ તેના ગુસ્સાનો શિકાર બની જતા હોય છે. આ વખતે સલમાન ખાનના ગુસ્સાનો શિકાર તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરનાર શખ્સ થયો હતો.
મહત્વનું છે કે, સલમાન ખાન ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ’ના શૂટિંગ માટે મુંબઈથી ગોવા ગયો હતો. સલમાન ખાને જે વ્યક્તિનો ફોન લીધો તે એરપોર્ટ પર એરલાઈન્સના ગ્રાઉન્ડ સ્ટાફનો જ એક માણસ હતો.