નવી દિલ્હી: કાળા હરણના શિકાર કેસમાં સલમાન ખાન શુક્રવારે જોધપુર કોર્ટ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. ગત સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલને મેજિસ્ટ્રેટે ઉધડો લીધો છે. તેમજ હાજર ન થવા બદલ માંગેલી માફીનો સ્વીકાર કરવાની ના પાડી હતી.
સલમાન ખાનના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે કોઈ કારણસર સલમાન ખાન કોર્ટમાં હાજર થઈ શક્યા નથી. તેના બાદ કોર્ટે હાજરી માફી સ્વીકાર કરતા તેને 27 સપ્ટેમ્બરે હાજર થવા કહ્યું હતું. કોર્ટે કડક વલણ દાખવતા કહ્યું હતું કે 27 સપ્ટેમ્બરે સલમાન ખાન કોર્ટ સમક્ષ હાજર નહીં થાય તો કોર્ટ તેના જામીન રદ કરશે.
જો જામીન રદ થાય તો એકવાર ફરી સલમાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર થઈ શકે છે. સલમાનને કોર્ટમા હાજર થઈને જામીન બોન્ડ ભરવો પડશે અને જેલ પણ થઈ શકે છે.
વાંચો કાળિયારનો ઘટનાક્રમ...
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર-ઓક્ટોમ્બર 1998માં ફિલ્મ "હમ સાથ સાથ હૈ"ની શૂટિંગ દરમ્યાન સલમાન ખાન પર ચાર કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. પહેલો કેસ ભવાદ ગામનો છે. જ્યાં 27 સપ્ટેમ્બર 1998ની રાત્રે એક હરણનો શિકાર કરવાનો આરોપ સલમાન ખાન પર લાગ્યો હતો. કોર્ટે 17 ફેબ્રુઆરી 2006નાં રોજ સલમાનને દોષી જાહેર કરતા 1 વર્ષની સજા સંભળાવી. હાઇકોર્ટે આ મામલે સલમાનને નિર્દોષ જાહેર કર્યો હતો. આ નિર્ણય વિરૂદ્ઘ રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટ સુધી ગઇ હતી.
બીજો કેસ ઘોડા ફાર્મ હાઉસમાં 28 સપ્ટેમ્બર 1998ની રાત્રે 2 હરણનાં શિકાર કરવાનો આક્ષેપ સલમાન પર લાગ્યો હતો. કોર્ટે 10 એપ્રિલ 2006નાં રોજ તેને દોષી જાહેર કરતા 5 વર્ષની સજા સંભળાવી. પરંતુ સલમાનને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. આ મામલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. માત્ર એટલું જ નહીં ત્રીજો કેસ એટલે કે આર્મ્સ એક્ટમાં સલમાનને પહેલેથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. જેમાં તેની પર આક્ષેપ હતો કે 22 સપ્ટેમ્બર, 1998નાં રોજ સલમાન ખાનના રૂમમાંથી પોલીસે એક રિવોલ્વર અને રાઇફલ જપ્ત કરી હતી.
જ્યારે 4 કેસ કાળા હરણનાં શિકાર મામલે આખરે જોધપુર કોર્ટે સલમાનને દોષી જાહેર કરી દીધો. વન અધિકારી લલિત બોડાએ આ મામલે જોધપુરનાં લૂણી પોલીસ થાણેમાં 15 ઓક્ટોમ્બર, 1998નાં રોજ સલમાન ખાનની વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં 1 અને 2 ઓક્ટોમ્બર, ૧૯૯૮ દરમિયાન રાત્રે કાંકાણી ગામની સરહદ પર બે કાળા હરણનો શિકાર કરવાનો ઉલ્લેખ હતો.