કલકત્તા: કલકત્તામાં ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની શૂટિંગ આખરે ગુરુવારે ફરી શરૂ થઈ ગઇ છે. જો કે આ દરમિયાન ટેક્નિશિયનો અને અભિનેતાઓએ જરૂરી સાવચેતીના પગલા ભરવા જરૂરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મ અને ટેલિવિઝનની શૂટિંગ ઇન્દ્રપુરી સ્ટૂડિયો, ભારતલક્ષ્મી સ્ટૂડિયો અને ટાલીગંજના નંબર 13 સ્ટુડિયોમાં શરૂ થઈ છે. ટેકનેશિયન આ દરમિયાન પીપીઇ કિટ્સ, માસ્ક, ગ્લોવ્સ પહેરશે અને સાવચેતી પગલાંને અનુસરશે.
સૂત્રએ જણાવ્યું હતું કે, "યુનિટના તમામ સભ્યોએ શૂટિંગ માટે સ્ટૂડિયો પરિસરમાં પ્રવેશતા પહેલા થર્મલ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે. કલાકારો અને ટેકનિશિયનની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ સેટ અને મેકઅપ રૂમ સારી રીતે સાફ કરવામાં આવ્યા છે." અગાઉ આર્ટિસ્ટ ફોરમના પ્રતિનિધિઓએ આ મુદ્દે શૂટિંગની પ્રક્રિયા શરૂ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
બુધવારે શૂટિંગના પહેલા દિવસે પ્રક્રિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે ચેનલ માલિકો અને ટેલિ-ઉત્પાદકો આ દિવસે અભિનેતાઓને તબીબી વીમા પ્રિમીયમ પર હસ્તાક્ષર કરવા અંગે ખાતરી આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
ત્યારે આગાઉ મહારાષ્ટ્ર સરકારે સંક્રમણ રહિત વિસ્તારોમાં ફિલ્મો અને ટીવી ધારાવાહિકોની શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. જો કે, આ માટે નિર્માતાઓએ પહેલા મહારાષ્ટ્ર સરકારના ફિલ્મ વિભાગ પાસેથી પરવાનગી લેવાની રહશે.
મહારાષ્ટ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર શૂટિંગ માટેના સેટ પર તબીબી સુવિધા હોવી જરૂરી છે. તેમજ દરેક સેટ પર ડૉક્ટર, નર્સ અને એમ્બ્યુલન્સ ફરજિયાત હોવી જરૂરી છે. આ સિવાય શૂટિંગ માત્ર 33 ટકા એકમથી શરૂ કરવું પડશે. આટલું જ નહીં, સેટ ઉપર નિયમિતપણે સ્વચ્છતા રાખવી. માસ્ક, સામાજિક અંતર અને સફાઇ માટે વિશેષ કાળજી લેવી પડશે. જ્યારે ગર્ભવતી સ્ત્રીને સેટ પર કોઈ પણ સ્થિતિમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં.
દેશમાં કોરોના વાઇરસના પ્રકોપને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેના પછી ફિલ્મો અને ટીવી ધારાવાહિકોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું. બધાં કલાકાર પોતાના ઘરોમાં સેલ્ફ આઇસોલેશનમાં હતા. હવે 8 જૂનથી શરૂ થયેલા અનલૉક વન અંતર્ગત શૂટિંગ ફરીથી શરૂ કરવા માટેના દિશાનિર્દેશો જાહેર કરવામાં આવી રહ્યા છે.