મુંબઇ: બૉલિવૂડ અત્રિનેત્રી કંગના રનૌતના જીવને જોખમ છે, આ દાવો કંગનાની માતા દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે શિવસેના વિશે કહ્યું કે, શિવસેના ડરપોક છે. આ સાથે અભિનેત્રીની માતાએ વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને Y પ્લસ સુરક્ષા આપવા બદલ આભાર માન્યો હતો.
કંગના રનૌતની માતા આશા રનૌતે કહ્યું કે, "ભારત મારી પુત્રી સાથે છે. આવો અન્યાય કેમ ? આ બાલાસાહેબ ઠાકરેની સેના નથી ? આ લોકો ડરપોક છે, કાયર છે. અમે તેમની જેમ વંશવાદી, ખાનદાની નથી. હું વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહનો આભાર માનું છું."
ઉદ્ધવ સરકાર પર નિશાન સાધતા આશા રનૌતે કહ્યું કે, મુંબઈમાં કંગનાના જીવને જોખમ છે. આખું ભારત જોઈ શકે છે કે બદલાની ભાવનાથી કેવી કામગીરી કરવામાં આવી રહી છે. શું તેમના ઘરે દીકરીઓ નથી?
આશા રનૌતે કહ્યું કે, કંગના મારી પુત્રી છે, સંજય રાઉતે મારી પુત્રી વિશે ગંદી વાતો કેમ કરી? કંગના ક્યારેય ખોટુ બોલતી નથી, તે હંમેશા સાચું બોલે છે. તેણે (શિવસેના) ખોટી વાત કહી છે. આખી જનતા કંગનાની સાથે છે. હું શિવસેના સરકારને કહેવા માગુ છું કે તેઓએ આ બધું ન કરવું જોઇએ. હું ભાજપનો આભાર માનું છું, જેમણે મારી દીકરીનું રક્ષણ કર્યું છે.
આશા રનૌતે કહ્યું કે, કંગના હમણાં મુંબઇમાં રહેશે, તેણે ત્યાં 15 વર્ષ સંઘર્ષ કર્યો છે. તેણે પોતાનું અડધું જીવન મુંબઈમાં વિતાવ્યું છે. મહારાષ્ટ્ર દરેકનું છે.