નવી દિલ્હીઃ બિહાર પોલીસ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની તપાસ કરી રહી છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા સામે એફઆઈઆર દાખલ કરી છે. રિયાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે બિહાર પોલીસે તેના વિરુદ્ધ નોંધાયેલો કેસ મુંબઈ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટમાં અભિનેત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી 5 ઓગસ્ટે થઈ શકે છે.
ન્યાયાધીશ ઋષિકેશ રોયની સિંગલ બેંચ આ કેસની સુનાવણી કરશે. અગાઉની સૂચના વગર કોઈ આદેશ પસાર ન થાય તેની ખાતરી કરવા માટે મહારાષ્ટ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટમાં કેવીએટ દાખલ કરી છે. બિહાર સરકાર અને સુશાંતના પિતા પહેલા જ એક કેવીએટ દાખલ કરી ચૂક્યાં છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં નાટકીય વળાંક આવ્યો હતો. પિતા કે.કે.સિંહે પટનામાં એફઆઈઆર નોંધાવી હતી, અભિનેત્રી રિયા સહિત 6 લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.
અભિનેત્રીએ ગુરુવારે સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે, તેને જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની અનેક ધમકીઓ પણ મળી છે. સુશાંતનું મોત તેને આઘાતજનક લાગ્યું છે, જે સતત મીડિયા કવરેજને કારણે અનેકગણું વધી ગયું છે.