મુંબઇ: અભિનેતા-નિર્માતા સચિન જોશીની કંપની વાઇકિંગ વેંચર્સના ભુતપૂર્વ કર્મચારીઓએ 3૧ લાખ રૂપિયાના પગારની ચૂકવણી બાકી હોવાનો આક્ષેપ કર્યો છે, તેમણે જણાવ્યું છે કે નોકરી છોડ્યાના મહિનાઓ બાદ પણ તેમને રકમ ચૂકવવામાં આવી નથી.
વાઇકિંગ વેંચર્સની ડિજિટલ મીડિયા વિંગ થિંક ટેન્ક દ્વારા માર્ચ 2019ની શરૂઆતથી કર્મચારીઓનો પગાર રોકી રાખવામાં આવ્યો છે. મેનેજમેન્ટ પણ તેમની વાતોનો જવાબ નથી આપી રહ્યું.
એપ્રિલ 2018માં સોશિયલ મીડિયા હેડ અને જનસંપર્ક અધિકારી તરીકે જોડાનાર તસ્કીન નાયકે કહ્યું કે, તેનો બે મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે. તેણે મે-2019માં નોકરી છોડી દીધી હતી.
મે 2019માં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે થિંક ટેંકમાં જોડાયેલા ગણપતિ રામચંદ્રને તે જ વર્ષે ડિસેમ્બરમાં કંપની છોડી દીધી હતી. તેમણે દાવો કર્યો હતો કે કંપનીએ હજી ત્રણ મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે.
અભિનેતાએ આ બાબતે બચાવ કરતા કહ્યું કે, ''વાઇકિંગ વેન્ચર્સે ટગબોટ નામની કંપની સાથે જોડાણ કર્યુ હતું. અને તેને થિંકટેન્ક નામ આપ્યુ હતું. જોડાણ વખતે નાણાકીય ટેકાની અપેક્ષા રાખવામાં આવી હતી પરંતુ તે મુજબ થયુ નહી.
કંપનીમાં છેતરપિંડીના મુદ્દે સીઈઓને બરતરફ કરવામાં આવ્યા છે, જેના પગલે નાણાકીય કટોકટી સર્જાઇ છે.
આ મામલે તપાસ ચાલી રહી છે. મેં તેમને એક પત્ર પણ આપ્યો છે જેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમને ચૂકવણી કરવામાં આવશે. આ બાબતે કોર્ટ નિર્ણય લેશે અમે પાલન કરીશું."
આ ઘટના અંગે કર્મચારીઓએ માર્ચની શરૂઆતમાં લેબર કમિશનરને ફરિયાદ કરી હતી પરંતુ લોકડાઉનના કારણે પ્રક્રિયા અટકી ગઈ છે.