સુરતઃ શહેરના ઉધના દક્ષેશ્વર મંદિર નજીક રહેતા 38 વર્ષીય દિવ્યેશ કુમાવત બૉલિવૂડના શહંશાહના જબરા ફેન છે. 1994માં દૂરદર્શન પર સોલે ફિલ્મ જોયા બાદ તેઓ બચ્ચનના ફેન થયા હતા. 1999માં સુરત આવ્યા બાદ અમિતાભ અંગે કલેક્શન કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ગ્રામો ફોન LP, DVD, VCD, VCR કેસેટ, ઓડિયો કેસેટ 300, 1982ના ન્યૂઝ પેપર, પૂર્તિઓ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને 7000 ફોટોગ્રાફનો સમાવેશ છે.
દિવ્યેશે જણાવ્યું હતું કે, 12 વર્ષની ઉંમરથી તેઓ બચ્ચનના ફેન બની ગયા છે. તેમણે 10 વખત રૂબરૂ મુલાકાત અને 8 ઓટોગ્રાફ મેળવ્યા છે. "સાત હિન્દુસ્તાની" પ્રથમ ફિલ્મના ફોટો સાથે "અગ્નિપથ", "દિવાર", સહિતના જુના ફિલ્મના ફોટોનું પણ કલેક્શન છે. આ કલેક્શન પાછળ 2-3 લાખનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે.
દિવ્યેશે વધુમાં જણાવ્યું હતું કે, 5000 ફોટોના કલેક્શન જોવા અમિતાભને બોલાવ્યા હતા. 5000 ફોટોના કલેક્શનનો ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડના નોમિનિઝ પણ બન્યા હતા. હાલ ઢગલો ફોટો છે. પત્ની જુલી બાળક સિદ્ધાર્થ બન્ને બચ્ચનને મળ્યા છે.
આ ઉપરાંત દિવ્યેશે વધુમાં જણાવ્યું હતું કે, અમિતાભ બચ્ચને 2014માં "મુંબઈ આજ કી રાત જિંદગી"ના શૂટિંગ પર 2015માં વૃક્ષા રોપણથી શરૂઆત કરી હતી. એ સાથે મે પણ વૃક્ષારોપણની શરૂઆત કરી છે. NGO, પર્યાવરણ અને રી સાયકલ સહિતના સામાજિક કામોથી જોડાયેલો છું. આજે બીગ-બી ફ્રેન્ડ ક્લબ દ્વારા અમિતાભના જન્મદિવસને લઈને સુરતમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મારા દ્વારા 11 વૃક્ષો રોપણ કરવામાં આવશે.