લોસ એન્જલસ: ટોમ હેન્ક્સ અને તેની પત્ની રીટા વિલ્સન કોરોના વાઈરસથી સંક્રમિત હૉલીવૂડની હસ્તીઓમાંથી એક છે. ઓસ્ટ્રેલિયામાં ફિલ્મના શૂટિંગ દરમિયાન હેન્ક્સને કોરોના વાઈરસથી ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમની સારવાર ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી હતી. તાજેતરમાં, આ દંપતી કોરોના વાઈરસના ચેપમાંથી મુક્ત થયા હતા. જે બાદ આ દંપતી યુનાઈટેડ સ્ટેટ્સ પરત ફર્યા હતા.
કોરોના ડી વોરીસ નામના 8 વર્ષના બાળકે હેન્ક્સને એક પત્ર લખીને તેમના અને વિલ્સનના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. બાળકે આ પત્રમાં લખ્યું હતું કે, મને મારું નામ ખૂબ જ ગમે છે, પરંતુ શાળામાં અન્ય લોકો મને કોરોના વાઈરસ કહે છે, જેના કરાણે મને ગુસ્સો અને દુ:ખ થાય છે.
આ કોરોના નામના બાળકના પત્રના જવાબ આપતા હેન્ક્સે લખ્યું, મને અને મારી પત્નીને તમારો પત્ર વાંચીને અત્યંત આનંદ થયો. દુ:ખના સમયે કોઈ મિત્ર હોય તો સારું લાગે છે, આવા સારા મિત્ર બનવા બદલ આભાર.
ટોમ હેન્ક્સે પત્રમાં આગળ લખ્યું, જ્યારે હું સ્વસ્થ થયા પછી અમેરિકા પરત આવ્યો, ત્યારે મેં તમને ટીવી પર જોયા હતા. જો કે હવે હું બીમાર નથી, પણ તમારો પત્ર વાંચ્યા પછી મને વધારે સારું લાગે છે. તમે અને હું બંને જાણીએ છીએ કે, તમે એક જ વ્યક્તિ છો. જેમનું નામ કોરોના છે. સૂર્યના તેજ જેવું અનોખું.
પત્રની સાથે હેન્ક્સે બાળકને ભેટ તરીકે કોરોના બ્રાન્ડનું ટાઈપરાઈટર મોકલ્યું હતું. તેમને આ બાબતે લખ્યું કે, 'મને લાગે છે કે, તમને આ ટાઈપરાઈટર ગમશે. હું તેને ગોલ્ડ કોસ્ટ પર લઈ ગયો અને હવે તે તમારા માટે ત્યાં પરત ફર્યું છે. આ ટાઈપરાઈટરનો ઉપયોગ કરતા કોઈ મોટા પાસેથી શીખી લેજે, અને પછી તેમાં ટાઈપ કરીને મને એક પત્ર લખજે.
હેન્ક્સે પત્રના અંતે હાથથી સંદેશ લખ્યો, 'પી એસ યું ગોટ અ ફ્રેન્ડ ઈન મી'. હકીકતમાં આ શબ્દો તેમની પોતાની ફિલ્મ 'ટોય સ્ટોરી'ના ગીતનાં છે.