- સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે Free Britney Campaign
- બ્રિટની સ્પિયર્સે પિતાના સંરક્ષણમાંથી છૂટકારો મેળવવા કરી હતી અરજી
- હોલિવૂડ સિંગર્સ અને સ્ટાર્સ ઉતર્યા તેણીના સમર્થનમાં
લોસ એન્જેલસ (અમેરિકા) : અમેરિકન પોપ સિંગર બ્રિટની સ્પિયર્સ (American Pop Singer Britney Spears)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પિતાની ચુંગાલમાંથી આઝાદ થવા માટે તેણીએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. તાજેતરમાં જ તે જજ સામે નિવેદન આપતી વખતે ભાવુક થઈ હતી. જ્યારબાદ હોલિવૂડના સિંગર્સ સહિત સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા એક મુહિમ (Free Britney Campaign) પણ શરૂ કરવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો ?
બ્રિટની સ્પિયર્સ વર્ષ 2008થી જ પોતાના પિતા જેમી સ્પિયર્સ (James Spears) સાથે ગાર્ડિયનશિપને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે તેણીએ કોર્ટ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું કે તે પોતાની મરજીથી પોતાનું જીવન વીતાવવા ઈચ્છે છે. આ નિવેદન આપતી વખતે તેણીએ ભાવુક થઈને કહ્યું હતું કે, "મને મારી જિંદગી, મારી આઝાદી પાછી જોઈએ છે. 13 વર્ષ થઈ ગયા છે અને આ કન્ઝર્વેટરશિપ (Conservatorship) નો મારી જિંદગી પર ખૂબ જ વિપરિત પ્રભાવ પડ્યો છે." બ્રિટની સ્પિયર્સના આ ભાવુક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર Free Britney મુહિમ શરૂ કરવામાં આવી હતી.
શું છે Conservatorship કાયદો ?
અમેરિકામાં સંરક્ષકતાને લઈને એક કાયદો બનાવવામાં આવ્યો છે. જેને કન્ઝર્વેટરશિપ (Conservatorship) તરીકે ઓળખવામાં આવે છે. કોર્ટ દ્વારા આ સંરક્ષણ એવા લોકોને આપવામાં આવે છે, જે ખુદની સારસંભાળ નથી રાખી શકતા. અમેરિકન પોપ સિંગર બ્રિટની સ્પિયર્સ (American Pop Singer Britney Spears) ને તેના પિતાનું સંરક્ષણ પ્રાપ્ત છે. જેના કારણે સિંગરના અંગત જીવનના તમામ નિર્ણયો તેણીના પિતા જ લે છે.