નવી દિલ્હી : સોશિયલ મીડિયાના ઉપયોગને 30 મિનિટ સુધી ઘટાડવાથી માત્ર માનસિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ નોકરીના સંતોષની લાગણીને સુધારવામાં પણ મદદ મળે છે. જ્યારે સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરતા લોકોને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરવાથી યુઝર્સ કામ પર ઓછું દબાણ અનુભવે છે અને ચિંતા કે ગભરામણ પણ ઓછી થાય છે.
જર્મનીમાં રુર યુનિવર્સિટી, બોચમ અને જર્મન સેન્ટર ફોર મેન્ટલ હેલ્થના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સોશિયલ મીડિયાથી દૂર રહેવાથી લોકોને તેમના કામ કરવા માટે વધુ સમય મળે છે અને ધ્યાન ભટકવાની સમસ્યા પણ ઓછી થાય છે.
બિહેવ્યર એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી નામના એક જર્નલ પ્રકાશિત થયેલા અભ્યાસના લેખક જુલિયા બ્રેલોવ્સ્કિયાના જણાવ્યા અનુસાર જે લોકો સોશિયલ મીડિયા ફીડ્સ પર નજર રાખવા માટે પોતાનું કામ બંધ કરે છે, તેમના માટે પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મુશ્કેલ બની જાય છે.
આ રિસર્ચ માટે સંશોધકોએ 166 લોકો પર અભ્યાસ કર્યો હતો. જેમાં તમામ લોકો નોકરી કરતા હતા અને તેઓ દરરોજ કામ વગર ઓછામાં ઓછી 35 મિનિટ સોશિયલ મીડિયા પર વિતાવતા હતા. બ્રેલોવ્સ્કિયાએ જણાવ્યું હતું કે, આટલા ટૂંકા ગાળામાં પણ અમે નોંધ્યું કે જે લોકો સોશિયલ મીડિયા પર દિવસમાં 30 મિનિટથી ઓછો સમય વિતાવે છે તેમના માનસિક સ્વાસ્થ્ય અને નોકરી પ્રત્યે સંતોષમાં સુધારો થયો છે.