મુંબઇ: બે જ દિવસમાં વારાફરતી હંમેશાની વિદાય લેનારા આ બંને અભિનેતા કેન્સર જેવી બીમારીને માત આપીને દિવસે-દિવસે સાજા થઈ રહ્યા હતા, પરંતુ પોતાના કરિયરમાં શિખર ઉપર પહોંચીને આ બંને અભિનેતાઓએ અલવિદા કરતાં વિશ્વ તેમને એકસાથે યાદ કરશે.
67 વર્ષના ઋષિ કપૂર, મુંબઈ સિનેજગતના પ્રારંભિક પરિવારની ત્રીજી પેઢીના અભિનેતા હતા, તેમણે ફક્ત પોતાના દારૂના વ્યસન અને અસલામતિની ભાવના સિવાય જીવનમાં કોઈ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. 53 વર્ષીય ઈરફાન રાજસ્થાનના ટોંકથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા મુંબઈ સિનેજગતમાં પ્રવેશેલા લઘુમતિ રાજવી પરિવારના અલગ પ્રકારના સાહેબજાદા (પ્રિન્સ) હતા અને તેમને બોલીવૂડમાં પગ જમાવતાં અનેક વર્ષો નીકળી ગયાં. એક, સ્વયંસ્ફૂરિત અભિનેતા હતા, તો બીજા શાસ્ત્રીય રીતે તાલીમબદ્ધ અને ગહન દાર્શનિક અભિનેતા હતા. એક પાસે જન્મજાત અભિનય હતો અને તેમણે પિતાની ફિલ્મ શ્રી 420માં પ્યાર હુઆ ઈકરાર હુઆ... ગીતમાં ફક્ત ત્રણ વર્ષની વયે પહેલીવાર કેમેરાનો સામનો કર્યો હતો. બીજા અભિનેતાનો પરિવાર ટાયરનો બિઝનેસ કરતો હતો અને તે પહેલીવાર એરકન્ડિશનર રિપેર કરનારા તરીકે મુંબઈ આવ્યા હતા.
આમ છતાં આ બંને અભિનેતાઓમાં ઘણી બધી બાબતો એકસરખી હતી. ક્રાફ્ટ પ્રત્યેન પ્રેમ અને બકવાસ દ્વારા રમૂજ ઉત્પન્ન કરવાની ક્ષમતા. બંને પાસે બિનજરૂરી દેખાડા માટે સમય ન હતો. ઋષિ કપૂર પોતાની લાગણીઓને જોરશોરથી રજૂ કરતા, ઈરફાન પ્રમાણમાં શાંત હતા. બંને અભિનેતાઓ ચલચિત્રોનો ભવ્ય વારસો આપી ગયા છે, જેની મજા દર્શકો લૂંટતા રહેશે. મીરા નાયરે સલામ બોમ્બે (1988)ની કાર્યશાળા યોજી હતી, તે ટોળકી માટે ઈરફાન પહેલેથી જ ગંભીર અને ચિંતનશીલ માણસ હતા. સહ-લેખિકા સૂની તારાપોરવાલા યાદ કરે છે કે, જ્યારે તેમના ફોટોગ્રાફીના દિગ્દર્શક મુંબઈ આવ્યા, ત્યારે તેમને લાગ્યું કે એક છોકરાની ભૂમિકા ભજવવા માટે ઈરફાન ઘણી મોટી ઉંમરના જણાય છે. દુઃખદ રીતે મીરા નાયરે તેમને પડતા મૂકવાપડ્યા અને છેવટે તેમને ફૂટપાથ ઉપર લહિયાનું કામ કરનારાની એક નાનકડી ભૂમિકા આપવામાં આવી.
ઋષિ કપૂર હંમેશા તરુણ જ રહ્યા. મેરા નામ જોકર (1970)માં પોતાની શાળાનાં શિક્ષિકાના પ્રેમમાં પડનાર યુવાન રાજ કપૂરની ભૂમિકા ભજવનારાથી માંડીને 1973માં રિલીઝ થયેલી રોમાંસથી ભરપૂર ફિલ્મ બોબીમાં શિસ્તબદ્ધ પરિપક્વ યુવાનની ભૂમિકા સુધીની તમામ ભૂમિકાઓમાં ઋષિ કપૂરનું શાશ્વત તારુણ્ચ ઝલક્યું. 1970ના દાયકાના અનેક બાળકોને બોબી ફિલ્મે મિત્રતા અને સેક્સ, ગાંઠ મારેલાં ટોપ્સ અને લેધર જેકેટ્સની પરિભાષા સમજાવી. આ ફિલ્મે તેમને જાત અને ધર્મની પરવા કર્યા વિના પ્રેમ કરતાં શીખવ્યું. ઋષિ કપૂરે હળવી, રોમાંસભરી ફિલ્મોમાં અભિનયથી શરૂઆત કરીને ધીમે ધીમે તેઓ જેમ મોટા થતાં ગયા, તેની સાથે સાથે તેમની ફિલ્મો વાસ્તવવાદના એક અન્ય પ્રકારના ઢાંચામાં ઢળતી ગઈ. 2010ના દાયકા સુધીમાં તેમણે દો દૂની ચાર (2011)માં મધ્યમ વર્ગના એક સામાન્ય શિક્ષકની ભૂમિકાની સાથે સાથે એટલી જ સહજતાથી મુલ્ક (2017)માં આતંકના આરોપી મુસ્લિમ વૃદ્ધ પુરુષની ભૂમિકા પણ નિભાવી હતી.
ટ્વિટર ઉપર તેઓ બેધડક નિવેદનો માટે ટિપિકલ પીધેલા કાકા જેવી છબિ ધરાવતા હોવા છતાં તેમણે હંમેશા પોતે જે કહેવા માગતા હોય તે જરાયે કાપકૂપ વિના, અથવા તો તેમની આત્મકથામાં તેમણે જણાવ્યું છે તેમ - ખુલ્લેઆમ કહ્યું. મુંબઈના સિનેજગતમાં પોતાના મનમાં આવે તે કહી નાખનાર કેટલીક વ્યક્તિઓમાંના એક એવા ઋષિ કપૂરે પોતે ગોમાંસ ખાનારા હિંદુ છે, ત્યાંથી માંડીને પાકિસ્તાન સાથે શાંતિ ઈચ્છે છે, ત્યાં સુધીના નિવેદનો કર્યાં. ઈરફાને પણ સત્યને જ શક્તિ બનાવી અને બકરાનો વધ એ કુરબાનીની સાચી વ્યાખ્યા નહીં હોવાના તેમના નિવેદન સામે જ્યારે મૌલવીઓએ વાંધો ઉઠાવ્યો, ત્યારે પણ તેઓ ડર્યા નહીં. આંતરરાષ્ટ્રીય સિનેમામાં તેમનું કદ વધવા લાગ્યું તે સાથે તેમણે 2006માં રિલીઝ થયેલી ફિલ્મ નેમસેકના અશોક ગાંગુલી, 2010માં રિલીઝ થયેલી ફિલ્મ ટ્રીટમેન્ટના ગણગણાટ કરતા ગણિતના શિક્ષક, લાઈફ ઓફ પાઈના પાઈ પટેલ (2012) તેમજ ધ લંચબોક્સ (2013)માં સાજન ફર્નાન્ડિઝ તરીકે પુખ્ત વયની અનેક ભૂમિકાઓ ભજવી. જુરાસિક વર્લ્ડ (2015) જેવી ઘોંઘાટભરી હોલીવૂડની બ્લોકબસ્ટર ફિલ્મ તેમજ 2016માં આવેલી ઈન્ફર્નોમાં બીબાંઢાળ વિલનની ભૂમિકા ભજવતી વખતે પણ તેમણે પોતાના અભિનય દ્વારા ચોક્કસ સ્થિરતા દ્વારા જે કૌવત દર્શાવ્યું તેનાથી ફિલ્મો ઉંચકાઈ ગઈ.
બંને અભિનેતાઓએ કેન્સર સામેની તેમની લડાઈમાં અસાધારણ ગરિમા દર્શાવી, હંમેશા હસતા રહ્યા અને છેલ્લી ઘડી સુધી વિનોદસભર રહ્યા. જો ઈરફાન તેની સિસ્ટમમાં અવાંચ્છિત મહેમાનો વિશે ચર્ચા કરીને મજાક કરી તો, ઋષિ કપૂરે તરત જ શર્માજી નમકીન ઉપર કામ શરૂ કર્યું અને પોતાની જાતને ટ્વિટર ુપર વ્યસ્ત રાખી. જૂના ફોટોગ્રાફ્સ, કાપકૂપ વિનાના મંતવ્યો અને તહેવારોની શુભેચ્છાઓ ટ્વિટ કર્યાં.
ડી-ડેમાં તમે બંને અભિનેતાઓને તેમના અભિનયની ચરમસીમાએ જોઈ શકો છો - ઋષિ કપૂર, તેમના કેરેક્ટરની માગ પ્રમાણે મારપીટ, બદમાશી અને ઘાંટાઘાંટ કરે છે, અને ઈરફાન રૉ એજન્ટ તરીકેની તેની ભૂમિકાની માગ મુજબ ગૂઢ, ભેદી અને રહસ્યમય છે. ડી-ડેમાં બંને અભિનેતાઓ સાથે કામ કરનાર હુમા કુરેશીએ તેમને બંનેને તેમની ભૂમિકા મુજબ અધિકૃત ગણાવ્યા હતા, કેમકે તેઓ વાસ્તવમાં જેવા છે, તેવા જ તે ફિલ્મમાં છે, દોષ નહીં સ્વીકારાનારા, બેધડક અને અત્યંત પ્રતિભાશાળી.
આ બંને પ્રતિભાઓને એકસાથે કામ કરતી જોવાનું સદભાગ્ય મેળનારા દિગ્દર્શક અડવાણી જણાવે છે કે તેમના જવાથી ખાલીપો લાગે છે.
આવું જ સમગ્ર વિશ્વને પણ લાગી રહ્યું છે.
લોકડાઉન દરમ્યાન અન્ય કોઈની પોસ્ટ રીટ્વિટ કરતાં ઋષિ કપૂરે કહ્યું હતું, "વિશ્વના લોકો, જ્યાં છો, ત્યાં જ રાહ જુઓ (હેન્ગ ઈન ધેર, વર્લ્ડ)". ઈરફાને કહ્યું હતું, "મારી પ્રતીક્ષા કરો". બંને મહાન હસ્તિઓ તરફથી જીવન માટે મળેલી કિંમતી સલાહ.