જળની બાબતમાં સ્વાવલંબન માટે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે એક ઍૅક્શન પ્લાન તૈયાર કર્યો
જળ એ બધા જ માટે જીવન છે. મનુષ્ય, પશુ-પક્ષીઓ ઉપરાંત સમગ્ર ધરતી પરની હરિયાળી માટે પણ પાણી અનિવાર્ય છે. જળ હોય તો જ રાષ્ટ્રોનો વિકાસ થઈ શકે છે.
વિશ્વમાં અત્યારે 210 કરોડ લોકો એવા છે. જેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યું નથી. આ રીતે વિશ્વની 40 ટકા વસતીને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. એમ સંયુક્ત રાષ્ટ્રસંઘે જળ વ્યવસ્થાપન માટે 2018-2028ના દાયકાને જાહેર કરીને એક અહેવાલમાં જણાવ્યું હતું.
ભારતમાં વિશ્વના 18 ટકા લોકો વસે છે અને વિશ્વના પશુ-પક્ષીઓની સંખ્યાના 15 ટકાની સામે વિશ્વના જળસ્ત્રોતોમાંથી માત્ર 4 ટકા જ ભારત પાસે ઉપલબ્ધ છે. ભારતમાં વર્ષે સરેરાશ 1,170 મિલિમિટર્સ વરસાદ પડે છે. તેમાંથી 20 ટકા જેટલા પાણીનો પણ આપણે સંગ્રહ કરી શકતા નથી. બીજી બાજુ 60 કરોડ લોકો જળસંકટનો સામનો કરી રહ્યા છે. નીતિ આયોગના આંકડાંઓ અનુસાર 2030 સુધીમાં દેશમાં પાણીની જરૂરિયાત બમણી થઈ જવાની છે. અને 2050 સુધીમાં પાણીની અછતને કારણે જ દેશના GDPમાં 6 ટકાનું ગાબડું પડશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયે એક ઍૅક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેનો અમલ આ વર્ષના નવેમ્બરથી શરૂ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી આપી છે કે, મનરેગા માટે ફાળવવામાં આવતા સમગ્ર બજેટનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારોમાં જળસંચય માટે કરવામાં આવશે. દેશના 734 જિલ્લાના 6 લાખ જેટલા ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના કાર્યો કરવામાં આવશે.
256 જિલ્લાના 1592 તાલુકાઓમાં ભૂગર્ભના જળ બહુ ઊંડા ઉતરી ગયા છે તે ચિંતાની બાબત છે. તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને બીજા રાજ્યોમાં અનેક વિસ્તારમાં તળના પાણી ખાલી થઈ રહ્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ, જળ સ્રોતોને પુનઃ સચેત કરવા, ગંદા પાણીને સ્વચ્છ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવો, વધારે વૃક્ષો વાવવા વગેરે પ્રવૃત્તિઓ આ યોજના હેઠળ વિવિધ તબક્કે આવરી લેવામાં આવશે.
આ પણ વાંચો: મફતનું રાજકારણ તમિલનાડુને ક્યાં લઈ જશે?
જો લોકો સહકાર આપે અને જનશક્તિ પણ આ કાર્યમાં લાગી જાય તો કશું અશક્ય નથી. આપણે શાળાઓમાં ભણતા હતા કે સમ્રાટ અશોકે તળાવો બંધાવ્યા હતા. એ ભૂતકાળની વાત થઈ ગઈ. હાલના સમયમાં ભૂગર્ભના જળો પ્રદૂષિત થઈ રહ્યા છે અને જળ પ્રદૂષણ ખતરનાક હદે પહોંચી રહ્યું છે. આપણે પોતે જ જળસ્રોતોને દૂષિત કરી રહ્યા છે. સ્રાવ ક્ષેત્રોની જમીન પર કબજો કરીને આપણે જળસ્રોતોને હાની પહોંચાડી રહ્યા છીએ.
ભારતમાં 450 જેટલી મોટી નદીઓ વહે છે. તેમાંથી 50 ટકા નદીઓનું પાણી પીવાલાયક નથી હોતું. નગરોની નજીક વહેતી નદીઓમાં ગટરનું ગંદુ પાણી સીધું જ ઠાલવી દેવામાં આવે છે. તે તત્કાલ બંધ કરવાની જરૂર છે. એક અંદાજ અનુસાર રોજ 3600 કરોડ લીટર ગંદુ પાણી જળસ્રોતોમાં ઠાલવી દેવામાં આવે છે. જો રાજ્ય સરકારો પ્રણ લે કે, જળસ્રોતોને યુદ્ધના ધોરણે પુનઃજીવિત કરવાના છે તો લોકો પણ તે કામમાં જોડાઈ જશે.
આ પણ વાંચો: વાયુ પ્રદૂષણ દેશને ગુંગળાવી રહ્યું છે
પાંચ દાયકા પહેલાં પડતો હતો તેના કરતાં અત્યારે 24 ટકા ઓછો વરસાદ પડે છે. ઘણા બધા દેશોમાં દુકાળ જેવી સ્થિતિ આવી છે. જ્યારે બીજી બાજુ જળવાયુ પરિવર્તનને કારણે કેટલાક દેશોમાં વાવાઝોડા અને ભારે પુરની સ્થિતિ પેદા થઈ છે. માથાદીઠ ઉપલબ્ધ જળજથ્થો સતત ઘટતો રહ્યો છે. પર્યાવરણને લગતા અનેક મુદ્દાઓ જળસંકટ ઘેરું કરી રહ્યા છે. ત્યારે કેન્દ્ર, રાજ્ય, પંચાયતો અને પ્રજાએ બધાએ એક સાથે મળીને જળસંકટનો સામનો કરવો પડશે.
જળસ્રોતોના સંવર્ધન પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે તેના આંકડાં પારદર્શિતા સાથે જાહેર થવા જોઈએ. સૌ કોઈને આ આંકડાં ઉપલબ્ધ હોવા જોઈએ. આ માટે નાણાં વાપરનારા અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ.
ભારતમાં વરસાદ પડે છે તેમાંથી 50 ટકા પાણીનો સંગ્રહ કરી શકે તો આ કટોકટી ટાળી શકાય છે. ભારતમાં 428 TMC ફૂટ પાણી વરસે છે. સિંગાપોર અને ઇઝરાયલ જેવા નાના દેશોએ જળસ્રોતોનો અસરકારક ઉપયોગ કરવાની ટેક્નિક અપનાવી છે. તેને અપનાવવી જોઈએ અને આરબ દેશોમાં 70 ટકા જેટલા પાણીને રિસાઈકલ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું પણ અનુકરણ કરવું જોઈએ. આ બધા જ ઉપાયો લાગુ કરીને ભારત જળની બાબતમાં સમૃદ્ધ થઈ શકે છે.