હૈદરાબાદ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં લાગુ કરેલાં નિયંત્રણોની વિપરિત અસર માત્ર એચ1-બી વિઝા પર જ નહીં, બલ્કે વૈશ્વિક સ્તરે અન્ય ઘણા વિઝા પર પડશે. અલબત્ત, નવા નિયમો અમેરિકાની બહાર હોય તેવા લોકોને તથા કાયદેસર નોન-ઇમિગ્રન્ટ વિઝા તથા અન્ય અધિકૃત પ્રવાસ દસ્તાવેજો ન ધરાવતા હોય, માત્ર તેવા લોકોને લાગુ પડે છે. પ્રવાસના કાયદેસર દસ્તાવેજો અને પાસપોર્ટ પર અધિકૃત વિઝા સ્ટેમ્પિંગ સાથે વિદેશનો પ્રવાસ ખેડનારા નાગરિકોને આ નિયમોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આવા પ્રવાસીઓ પર નિયંત્રણોના પડનારા વિપરિત પ્રભાવની વિગતો અહીં રજૂ કરવામાં આવી છેઃ
H-1 B વિઝા ધારકો
H1-B વિઝા ધારકો એ એવા લોકો છે, જેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની બહાર સ્થિત હોય તેવી કંપનીઓ દ્વારા તેમની ચોક્કસ કૌશલ્ય સંબંધિત જરૂરિયાતને પગલે તે કંપનીમાં નોકરી કરી રહ્યા છે. ચાલુ વર્ષની પહેલી ઓક્ટોબરથી યુનાઇટેડ સ્ટેટ્સનું 2021નું નાણાંકીય વર્ષ શરૂ થવાનું છે અને ભારતમાંથી ઘણી કંપનીઓએ સંબંધિત એચ1-બી વિઝા જારી કર્યા છે. અમેરિકન સરકાર દ્વારા લેવાયેલા તાજેતરના નિર્ણયોને કારણે આવા કર્મચારીઓએ વધુ નહીં તો ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. ત્યાર બાદ જ તેમના પ્રવાસ દસ્તાવેજો પર સ્ટેમ્પ લાગી શકશે અને આખરે તેઓ પ્રવાસ ખેડી શકશે.
પોતાનું વિઝા સ્ટેટસ બદલવા ઇચ્છતા વિદ્યાર્થીઓ
નવા નિયમો કાયદેસરના દસ્તાવેજો સાથે અમેરિકામાં રહી રહેલા લોકોને પરેશાન કરશે નહીં. સાથે જ તે ‘ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ’ (ઓપીટી) હેઠળ રહેલા અને પોતાનું સ્ટેટસ બદલીને એચ-1 બી વિઝા કરવા ઇચ્છનારા વિદ્યાર્થીઓને પણ પરેશાન કરશે નહીં. જોકે, નિષ્ણાતોનો એવો મત છે કે, આવા વિદ્યાર્થીઓએ અમેરિકા છોડવું જોઇએ નહીં, કારણ કે અમેરિકા છોડીને ગયા પછી પરત ફરવાનો પ્રયત્ન કરતી વખતે તેમના પર નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે.
H-2 B વિઝા
આ વિઝા બિન-ખેતીકીય ક્ષેત્રમાં કામચલાઉ વર્કર્સને આપવામાં આવે છે. આ વિઝા દર વર્ષે વધુમાં વધુ 66,000 લોકોને જારી કરવામાં આવે છે. એવું લાગે છે કે, ચાલુ વર્ષે લાગુ કરવામાં આવેલાં તાજેતરનાં નિયંત્રણોને પગલે, ફૂડ પ્રોસિસંગ તથા હોટેલનાં ક્ષેત્રોમાં કામ કરવા ઇચ્છનારા લોકો માટે અમેરિકામાં પ્રવેશવાની કોઇ તક ઉપલબ્ધ નથી.
H- 4 વિઝા
આ વિઝા યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા ઇચ્છતા એચ1-બી વિઝા ધારકોના જીવનસાથી તથા તેમના અન્ય આશ્રિતો, જેમકે તેમનાં બાળકોને આપવામાં આવે છે. જીવનસાથીને આપવામાં આવતા જે-1 વિઝા તથા જે-2 વિઝાની સાથે-સાથે જે-1 વિઝા ધારકોનાં સંતાનો તથા તેમના પર નભતી વ્યક્તિઓ (આશ્રિતો) ઉપરાંત એલ-1 વિઝા ધારકોના આશ્રિતોને એલ-2 વિઝાને એક્સચેન્જ પ્રોગ્રામ્સ હેઠળ નવા નિયમોના માળખામાં સામેલ કરવામાં આવ્યા છે.
L- 1 વિઝા
L- 1 વિઝાનો હેતુ કંપનીની અંદર આંતરિક ટ્રાન્સફર કરવાનો છે. તાજેતરના આદેશો હેઠળ, વિદેશમાં હોય તેવી વ્યક્તિઓ ટ્રાન્સફર પર અમેરિકામાં સમાન કંપનીમાં પ્રવેશ કરી શકશે નહીં.
H-1B વિઝા ... 85,000
- યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા દર વર્ષે 50,000 વિઝા જારી કરે છે.
- તે પૈકી, આશરે 30,000 જેટલા વિઝા ભારતીયોના હોય છે.
- એક અહેવાલ અનુસાર, આ નિયંત્રણોને કારણે લગભગ 3 લાખ જેટલા ભારતીયોને ફટકો પડશે.
- એચ1-બી વિઝા પર ભારતમાં રહેનારા ભારતીયોએ ટ્રમ્પના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો.
ટ્રમ્પ જણાવે છે કે, કોરોનાના પ્રભાવ હેઠળ નોકરી ગુમાવનારા લાખો અમેરિકનોને મદદરૂપ થવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ટ્રમ્પનો નિર્ણય અમેરિકન નાગરિકોને 5,25,000 નોકરીઓ પૂરી પાડી શકે છે. ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સહિત ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓના સીઇઓએ તાજેતરના આ આદેશો સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતીય-અમેરિકન લેજિસ્લેટર રાજા ક્રિષ્નમૂર્તિએ સૂચવ્યું છે કે, પ્રમુખે વિઝા જારી કરવા અંગેના નિર્ણયની ફેરવિચારણા કરવી જોઇએ. તેમણે નોંધ્યું હતું કે, આ નિર્ણય કોરોના મહામારીના બીજા તબક્કાનો સામનો કરવા દરમિયાન અમેરિકન અર્થતંત્રને પુનઃજીવિત કરવાની કાર્યવાહી સામે વ્યાપક વિપરિત અસર પહોંચાડી શકે છે. કેટલાક ટોચના સેનેટરોએ પણ એ મુજબની પ્રતિક્રિયા આપી હતી કે, વિઝા નીતિને સ્થગિત ન કરી દેવી જોઇએ, પરંતુ કામચલાઉ સ્થિતિને પહોંચી વળવા માટે જરૂર જણાય, તો તેને બદલવી જોઇએ. તેમને લાગતું હતું કે, આવા નિર્ણયોની વચ્ચે અમેરિકામાં આર્થિક વૃદ્ધિની ગાડીને પુનઃ પાટા પર ચઢાવવાનું કાર્ય વધુ મુશ્કેલ બનશે. અન્ય લોકો જણાવે છે કે, ભારતીયોને બદલે અમેરિકનોને નોકરી પર રાખવાથી અમેરિકન કંપનીઓ પર નાણાંકીય બોજ પણ ઘણો વધી જશે.
તેલુગુ એનઆરઆઇ પર આ નિર્ણયની વિપરિત અસર
વિઝા જારી કરવાની પ્રક્રિયા થંભાવી દેવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયે આંધ્ર પ્રદેશ અને તેલંગણા, આ બે (તેલુગુ) રાજ્યોના ઘણાં લોકોને ગૂંચવણમાં મૂકી દીધા છે. તેલંગણા અને આંધ્ર પ્રદેશના હજ્જારો સ્થળાંતરિતોને જોબ વિઝાની મોકૂફીને કારણે રોકાઇ જવાની ફરજ પડી છે તથા હવે તેઓ અમેરિકા જવા માટે અસમર્થ થઇ ગયા છે. અધિકારીઓ પણ કબૂલે છે કે, અમેરિકા પાસે સોફ્ટવેર કંપનીઓમાં કામ કરવા માટે પૂરતાં કૌશલ્ય તથા યોગ્યતા ધરાવતા ટેકનિશિયનોનો અભાવ છે. એક અંદાજ અનુસાર, અમેરિકામાં આશરે માત્ર 29 ટકા કાર્યબળ (વર્કફોર્સ) કંપનીઓમાં વર્કમેનશિપના સ્થાને જગ્યા લઇ શકે તેમ છે. બાકીની મોટાભાગની વર્કફોર્સ માત્ર ભારતમાંથી આવે છે. પ્લેસમેન્ટ કંપનીઓના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ તાજેતરનો નિર્ણયથી વિવિધ પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થશે.
લોટરીમાં પસંદગી પામેલા 25 હજાર લોકોમાં નિરાશા વ્યાપી
અમેરિકામાં રોજગારી માટે અરજી કરનારા લોકોમાંથી યોગ્યતા ધરાવનારા લોકોની પસંદગી કરવા માટે દર વર્ષે લોટરી હાથ ધરાય છે. વિઝા જારી કરવાની પ્રક્રિયા લોટરીમાં માત્ર પસંદગીયુક્ત અરજીકર્તાઓને જ લાગુ પડે છે. આ વર્ષની લોટરી પ્રક્રિયા દોઢ મહિના પહેલાં જ સંપન્ન થઇ હતી. લોટરીમાં પસંદગી પામેલા અરજીકર્તાઓ સાડા ચાર મહિનામાં અમેરિકા જશે. જોકે, અમેરિકન સરકારે લોટરી પ્રક્રિયા પછી તરત જ ગણતરીના દિવસોમાં માથું ઊંચકનારા કોરોના વાઇરસના વ્યાપ બાદ વિશ્વભરમાં એમ્બેસી અને કોન્સ્યુલેટ્સને તાળાં લગાવી દીધાં હતાં. તેને કારણે પસંદગી પામેલી અરજીઓ અભેરાઇ પર ચઢી ગઇ હતી. વિઝા કન્સલ્ટન્ટ્સને જાણ કરવામાં આવી હતી કે, આ વર્ષે તેલંગણા અને આંધ્ર પ્રદેશ એ બે રાજ્યોમાંથી લગભગ 25 હજાર જેટલા લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રતિબંધના કારણે તેમના માટે અમેરિકાનાં દ્વાર બંધ થઇ ગયાં છે. અમેરિકન એટર્નીએ મંગળવારે “ઇનાડુ”ને આપેલા નિવેદન અનુસાર, કોરોના પછી સ્થિતિ થાળે પડે, ત્યાર બાદ આ તમામ અરજીકર્તાઓએ લોટરી પ્રક્રિયાના અન્ય રાઉન્ડને અનુસરવાનું રહેશે.
IMFS કન્સલ્ટન્સીના અજયકુમાર વેમુલાપતીના પ્રતિનિધિના મત અનુસાર, વર્તમાન પરિસ્થિતિને કારણે જે લોકો એચ1-બી વિઝા લંબાવવા માટે ભારતના પ્રવાસે આવ્યા છે, તેઓ ઓછામાં ઓછા બીજા છ મહિના સુધી તેમના કાર્યસ્થળે પરત ફરી શકશે નહીં.