વલસાડ: વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચણોદ કોલોનીમાં 11મી જાન્યુઆરીએ રાત્રે રેખાબેન બ્રહ્મદેવ મહેતા અને તેમની મિત્ર અનિતા શેખર ખડસે પર બે અજાણ્યા ઈસમોએ માથાના ભાગે અને શરીરના ભાગે ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી પલાયન થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. વલસાડ જિલ્લા પોલીસે આ ચકચારી હત્યા કાંડમાં 5 લાખની સોપારી આપનાર મૃતક રેખાબેનના પુત્રની અને તેમના મિત્રની ધરપકડ કરી છે. જ્યારે હત્યારાઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ જણાવ્યું હતું.
જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું હતું કે, ચણોદ કોલોનીમાં રહેતા રેખાબેન બ્રહ્મદેવ ભાઈ મહેતા અને તેમને ત્યાં આવેલી તેમની બહેનપણી અનિતા ઉર્ફે દુર્ગા ખડશે પર 11મી જાન્યુઆરીએ રાત્રિના 9 વાગ્યા આસપાસ મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરીંગની ઘટનામાં બંને મહિલાઓ ઘટના સ્થળે જ મોતને ભેટી હતી. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે મૃતક રેખાબેનના પુત્રની પણ ઉલટ તપાસ કરી હતી. આ ઉલટ તપાસમાં રેખાબેનના પુત્રએ ગુનો કબુલ કરી હત્યા પાછળનું ચોંકાવનારૂં કારણ જણાવ્યું હતું.
જેમાં બીપીન ઉર્ફે ગુડ્ડુની માતા રેખાબેનની ચાલચલન સારી ન હોવાથી, તેઓ whatsapp પર પર-પુરૂષો સાથે બિભત્સ ચેટિંગ કરતી હતી. જે કારણે સમાજમાં તેની બદનામી થતી હતી. આ બાબતે અવાર-નવાર કહેવા છતાં તેની માતાએ આ પ્રવૃત્તિ બંધ કરી નહોતી. તેની માતાએ બધી મિલકત દાનમાં આપી દેવાની વાત કરી હતી. જે બાબતે ઉસ્કેરાયેલા બીપીને તેના મિત્ર કુંદનગીરી શંભુકાંતગીરી સાથે મળી રેખાબેનને જાનથી મારી નાખવાની સોપારી આપી હતી. જે માટે 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. 1 લાખ રૂપિયા રોકડા એડવાન્સ પેટે ચૂકવ્યા હતા. હત્યારાઓએ હત્યામાં જે બાઈકનો ઉપયોગ કર્યો હતો, તે બાઇક પણ બીપીને જ 12,500 રૂપિયામાં વાપીમાંથી ખરીદીને આપી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે હાલ ગુડ્ડુ ઉર્ફે બીપીન અને તેમના મિત્ર કુંદનગીરીની ધરપકડ કરી હત્યારાઓને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.