ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આજે શનિવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પાકિસ્તાન નેશનલ એસેમ્બલી વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ વિપક્ષ (pm Imran khan no trust vote) દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના મત પર મતદાન કરવામાં (Pakistan political crisis ) આવશે. પાક મીડિયા અનુસાર, પાક સાંસદોની નેશનલ એસેમ્બલીમાં પહોંચવાની પ્રક્રિયા ચાલી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવના મતદાન પહેલા વિપક્ષે દાવો કર્યો છે કે, તેની પાસે 196 સાંસદોનું સમર્થન છે. નવા પીએમના નામ પર વિરોધ પક્ષોએ પણ ચર્ચા શરૂ કરી દીધી છે. જો મતદાન સફળ થશે તો વિરોધ પક્ષો નવા વડાપ્રધાનની ચૂંટણીની માંગ કરશે. આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે સવારે વિપક્ષી દળોએ પણ બેઠક યોજી હતી.
આ પણ વાંચો : ઈમરાનને મોટો ફટકો, SCએ કહ્યું- ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય
વહેલી ચૂંટણી કરાવવાનું પગલું ગેરબંધારણીય : ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઓમર અતા બંદિયાલની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બેન્ચે ગુરુવારે ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દેવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને સર્વસંમતિથી ફગાવી દીધો હતો. આ સાથે જ, સુપ્રીમ કોર્ટે નેશનલ એસેમ્બલીને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, નેશનલ એસેમ્બલીને ભંગ કરીને વહેલી ચૂંટણી કરાવવાનું વડાપ્રધાનનું પગલું "ગેરબંધારણીય" હતું. કોર્ટે નીચલા ગૃહના અધ્યક્ષને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે 9 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) નેશનલ એસેમ્બલીનું સત્ર બોલાવવાનો આદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનની લોકશાહીમાં જાટ જનરલ વિરુદ્ધ પઠાણ પીએમ
દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન : અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન પહેલાં વડાપ્રધાન ઈમરાન ખાને તેમના સમર્થકોને રવિવારે દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું હતું. રાષ્ટ્રને સંબોધનમાં ખાને તેમની સામે અવિશ્વાસની દરખાસ્તને બરતરફ કરવાના નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પીકરના વિવાદાસ્પદ નિર્ણયને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવા પર પણ તેમની નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, 'હું આ આયાતી સરકારને સ્વીકારીશ નહીં, હું રસ્તા પર ઉતરીશ, ફક્ત લોકો જ મને સત્તામાં લાવી શકે છે અને હું લોકોની મદદથી પાછો આવીશ. તેમણે કહ્યું કે, નવી સરકારની સંભવિત રચના બાદ તેમના સમર્થકો રવિવારે સાંજે રસ્તા પર ઉતરી આવે.