વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને સોમવારે ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોનિક વાતચીત કરી. બંને નેતાઓએ ગાઝામાં માનવીય મદદ સતત મળતી રહે તે માટે સહમતિ દર્શાવી છે. વ્હાઈટ હાઉસ તરફથી આવેલા નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ બાઈડને ગાઝા અને તેની આસપાસના વિસ્તારોમાં મદદ અને વિકાસ પર ચર્ચા કરવા માટે નેતન્યાહૂને ફોન કર્યો હતો.
ગાઝામાં માનવીય મદદઃ વ્હાઈટ હાઉસ જણાવે છે કે, બંને નેતાઓ ગાઝામાં માનવીય મદદ સતત ચાલુ રહે તેને સમર્થન આપ્યું છે. રાષ્ટ્રપતિ બાઈડને હમાસના 7 ઓકટોબરના હુમલા બાદ માનવીય મદદ માટેના બે જથ્થા રવાના કર્યા છે. વ્હાઈટ હાઉસ અનુસાર માનવીય મદદ ગાઝામાં પહોંચી ગઈ છે.
બે અમેરિકન નાગરિકોની મુક્તિઃ જરુરિયાતમંદ પેલેસ્ટાઈનિયોને રાહત સામગ્રી અપાઈ રહી છે. તેમજ બાઈડને બે અમેરિકન બંધકને છોડાવવામાં ઈઝરાયલે કરેલ મદદની પ્રશંસા કરી હતી. ઈઝરાયલ સુરક્ષા દળો (IDF) અનુસાર હમાશે શનિવારે બે અમેરિકન નાગરિકોને છોડ્યા હતા. આ બંને અમેરિકનોની ઓળખ જુડીથ તાઈ રાનન અને તેમની દીકરી નતાલી રાનનના સ્વરુપે થઈ છે. બંને અમેરિકાના શિકાગોની રહેવાસી છે.
200 નાગરિકો બંધકઃ આ બંને અમેરિકન પોતાના કુટુંબને મળવા માટે અમેરિકાથી ઈઝરાયલ આવ્યા હતા. જુડીથની તબિયત બગડી જતા હમાસ દ્વારા તેમને અને તેમની દીકરીને મુક્ત કરવામાં આવ્યા હતા. હમાસે 7 ઓક્ટોબરે 200 જેટલા નાગરિકોને બંધક બનાવ્યા હતા. આ બંધકોની મુક્તિ માટે વૈશ્વિક દબાણ પેદા કરવામાં આવી રહ્યું છે.
14 ટ્રક્સ ગાઝા પહોંચ્યાઃ નિવેદન અનુસાર ગાઝામાં અમેરિકા સહિત અન્ય નાગરિકોની સુરક્ષા અને તેમની મુક્તિ માટે ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં હમાસના અનેક સ્થળો પર હુમલા કરી રહ્યું છે. જ્યારે સોમવારે માનવીય મદદથી ભરેલા 14 ટ્રક્સ રાફા ક્રોસિંગથી ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરી ચૂક્યા છે.