નવી દિલ્હી : નવી દિલ્હીમાં ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરોએ થેલેસેમિયાથી પીડિત ઇરાકના એક જ પરિવારના ત્રણ બાળકોની સફળતાપૂર્વક સારવાર કરીને જીવનદાન આપ્યું છે. ઈરાકના ત્રણેય બાળકો થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારીથી પીડિત હતા. આ બાળકોની ઉંમર 10, 13 અને 19 વર્ષની છે. ફોર્ટિસ હોસ્પિટલના પીડિયાટ્રિક હિમેટોલોજીના પ્રમુખ ડો. વિકાસ દુઆના નેતૃત્વમાં આ ત્રણેય બાળકોની સારવાર કરવામાં આવી હતી.
સારવાર વચ્ચે આવ્યો મોટો પડકાર : ડો. વિકાસ દુઆએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, આ દર્દીઓની ઉંમર ઘણી નાની હતી અને સતત લોહી ચઢાવવાને કારણે તેમના શરીરમાં આયરનનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી ગયું હતું. કેટલીક દવાઓ અને અન્ય પ્રક્રિયાઓ દ્વારા આમાંથી કેટલીક સમસ્યાઓને નિયંત્રિત કર્યા પછી અમે સફળતાપૂર્વક બાળકોનું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સફળ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ : ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપાલ ડાયરેક્ટર અને હિમેટોલોજી વિભાગના પ્રમુખ ડો. રાહુલ ભાર્ગવે જણાવ્યું હતું કે, ઇરાકથી આવેલા આ ત્રણ બાળકોના જરૂરી ટેસ્ટ કર્યા બાદ અમે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેમની સારવાર કરવાનો નિર્ણય લીધો હતો. સારી વાત એ હતી કે ટ્રાન્સપ્લાન્ટ માટે આ ત્રણ પીડિત બાળકોના અન્ય બે સગા ભાઈઓ સાથે બોનમેરો મેચિંગ થઈ ગયું હતું. આ બે ભાઈઓનું 300 મિલી લોહી લઈને ટ્રાન્સપ્લાન્ટની સફળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સારવારની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ત્રણેય બાળકોને 14 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. અંતે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા બાદમાં તેઓને રજા આપવામાં આવી હતી.
શું છે થેલેસેમિયા મેજર ? થેલેસેમિયા મેજર ડિસઓર્ડર અંગે માહિતી આપતા ડો. ભાર્ગવે જણાવ્યું હતું કે, થેલેસેમિયા મેજર એક જેનેટિક બ્લડ ડિસઓર્ડર છે. એટલે કે બાળકોમાં આ સમસ્યા તેમના માતા-પિતાના માધ્યમથી આવે છે. આ બીમારીના ભોગ બનેલા વ્યક્તિના શરીરમાં સામાન્ય વ્યક્તિ કરતાં ઓછું હિમોગ્લોબિન ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં થેલેસેમિયાથી પીડિત વ્યક્તિને દર મહિને લોહી ચઢાવવું પડે છે. નાની ઉંમરે વારંવાર લોહી ચઢાવવાને કારણે હૃદય અને લીવર પર વિપરીત અસર થાય છે. તેમજ તેના કારણે શરીરના અન્ય મુખ્ય અંગો પણ પ્રભાવિત થઈ શકે છે.
થેલેસેમિયાની સારવાર શક્ય છે ? ભારતમાં થેલેસેમિયા મેજરથી પીડાતા બાળકોની સંખ્યા સૌથી વધુ છે. આ અંગે ડો. વિકાસ દુઆના જણાવ્યા અનુસાર વિશ્વભરમાંથી ભારતમાં સૌથી વધુ થેલેસેમિયા મેજરથી પીડિત બાળકો છે. ભારતમાં થેલેસેમિયા મેજરથી પીડિત લોકોની સંખ્યા 1.5 લાખ છે અને દર વર્ષે લગભગ 10 થી 15 હજાર થેલેસેમિયાગ્રસ્ત બાળકો જન્મે છે. પરંતુ હવે આ બીમારીની સારવાર શક્ય છે. તે માટે સમસ્યાની જાણ થતાં જ પીડિત વ્યક્તિએ નિષ્ણાત તબીબનો સંપર્ક કરવો જોઈએ, જેથી તેમને યોગ્ય દિશામાં સારવાર મળી શકે.