નવી દિલ્હી : ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હીથી કેનેડા જતી ફ્લાઈટ નંબર 1A-185 શુક્રવારે વહેલી સવારે અચાનક રદ કરવામાં આવી હતી. અચાનક ફ્લાઇટ કેન્સલ થતાં ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આરોપ છે કે ફ્લાઇટ કેન્સલ થવાની કોઈ માહિતી મુસાફરોને આપવામાં આવી નથી.
દિલ્હીથી કેનેડાની ફ્લાઈટ થઇ રદ : મળતી માહિતી મુજબ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે પાંચ વાગ્યે દિલ્હીથી કેનેડા જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટ હતી. પરંતુ તે નિર્ધારિત સમયે ઉડાન ભરી શકી ન હતી, જેના કારણે મુસાફરો પરેશાન થઈ ગયા હતા. ફ્લાઇટમાં વિલંબ અંગે તેમને જાણ કરવામાં આવી ન હતી. મુસાફરોને ખબર પડી કે ફ્લાઇટ 14 કલાક મોડી પડી હતી અને વિલંબનું કારણ જાણી શકાયું નથી. એર યાત્રીઓએ આ અંગે એર ઈન્ડિયા સ્ટાફ સાથે વાત કરીને કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે તે લોકો દ્વારા કોઈ માહિતી આપવામાં આવી રહી ન હતી, ત્યારબાદ મુસાફરોએ એર ઈન્ડિયા સ્ટાફ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું.
મુસાફરોએ એરપોર્ટ પર મચાવ્યો હંગામો : 4 કલાકથી વધુ સમય વીતી જવા છતાં 200 જેટલા મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે જેના કારણે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોએ હંગામાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તસવીરોમાં તમે દિલ્હી એરપોર્ટ પર મુસાફરો અને એર ઈન્ડિયાના સ્ટાફ વચ્ચેની વાતચીત પણ જોઈ શકો છો. જો કે આ મામલે એરપોર્ટ પોલીસ અને સંબંધિત એરલાઈન્સ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.