તેહરાન: ઈરાને મંગળવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાઇલને રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ જનરલ કાસિમ સુલેમાનીની ગુપ્ત માહિતી પ્રદાન કરવા બદલ દોષિત વ્યક્તિને મોતની સજા આપશે. નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એક અમેરિકન ડ્રોને બગદાદ પર હુમલો કરી સુલેમાનીની હત્યા કરી હતી.
ન્યાયિક પ્રવક્તા ગુલામ હુસેન ઇસ્માઇલીએ દોષિત વિશે બહુ ઓછી માહિતી આપી હતી. તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેમનું નામ મહમૂદ મૌસાવી મઝદ છે.
ઇસ્માઇલીએ આરોપ લગાવ્યો કે, મઝદ અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ અને ઇઝરાઇલી ગુપ્તચર એજન્સી મોસાદ સાથે સંકળાયેલો છે. જો કે, તેમણે આ સંદર્ભમાં કોઈ પૂરાવા રજૂ કર્યા નથી.
ઇરાને સુલેમાનીની હત્યાના બદલામાં ઇરાકના યુએસ સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઇલો ચલાવી હતી. એ જ રાત્રે રિવોલ્યુશનરી ગાર્ડએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેનને ગોળી મારી હતી, જેમાં 176 લોકો માર્યા ગયા હતા.