લંડન: ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની અગ્રણી કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇને ગુરુવારે જણાવ્યું હતું કે, તે 2021માં બહુવિધ કોવિડ-19 રસીના સહકારોને મદદ પૂરી પાડવા માટે કોરોનાવાઇરસ વેક્સિનની સહાયક દવાના એક અબજ ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. આ દ્રવ્ય રસીની કામગીરીને વધુ અસરકારક બનાવે છે.
કંપનીએ જણાવ્યું હતું કે, તે સહાયક દવાના ઉત્પાદન અને પુરવઠા માટે સરકારો તેમજ વૈશ્વિક સંસ્થાઓ સાથે મંત્રણા કરી રહી છે.
"અમારૂં માનવું છે કે, આ વૈશ્વિક મહામારીને નાથવા માટે એક કરતાં વધુ રસીની જરૂર પડશે અને અમે આમ કરવા માટે વિશ્વભરના ભાગીદારો સાથે કામ કરી રહ્યાં છીએ," તેમ જીએસકે ગ્લોબલ વેક્સિનના પ્રેસિડેન્ટ રોજર કોન્નોરે એક યાદીમાં જણાવ્યું હતું.
"અમે માનીએ છીએ કે, અમારી નવતર મહામારી માટેની સહાયક દવાની ટેકનોલોજીમાં બહુવિધ કોવિડ-19 રસીઓની અસરકારકતા વધારવાની સંભવિતતા રહેલી છે.”
"અમારી ઉત્પાદન ક્ષમતામાં આ નોંધપાત્ર વિસ્તરણ સાથે અમે 2021માં સહાયક વેક્સિનનો એક અબજ ડોઝ પૂરો પાડીને ઘણાં લોકોને સુરક્ષા પૂરી પાડવામાં અને કોવિડ-19 સામે લડવાના વૈશ્વિક પ્રયાસમાં મદદરૂપ થઇ શકીએ છીએ," તેમ કોન્નરે ઉમેર્યું હતું.
GSKએવેક્સિન વિકસાવવા માટે ઉત્તર અમેરિકા, યુરોપ અને ચીનમાં વૈજ્ઞાનિક ભાગીદારો સહિત ઘણાં સહકારોની રચના કરી છે અને વધુ સહયોગ અંગે સંભવિત ભાગીદારો સાથે ચર્ચાઓ ચાલી રહી છે, તેમ કંપનીએ જણાવ્યું હતું.
છેલ્લી ફ્લુ મહામારીમાં, જીએસકેની સહાયક દવાએ પ્રત્યેક ડોઝદીઠ જરૂરી વેક્સિન પ્રોટીનની માત્રા ઘટાડવાની ક્ષમતા દર્શાવી હતી, જેને કારણે વેક્સિનના વધુ ડોઝનું ઉત્પાદન કરી શકાય છે, અને પરિણામરૂપે વધુ લોકોના જીવ બચાવી શકાય છે.
વધુમાં સહાયક દવા ઇમ્યૂન રિસ્પોન્સ વધારી શકે છે અને તે સંક્રમણો સામે લાંબા સમય સુધીની તેમજ મજબૂત રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડતી હોવાનું જાણવા મળ્યું હતું.
GSKએ તેની મહામારી સામેની સહાયક દવાની ટેકનોલોજી સહાયક દવા સાથે ઉપયોગમાં લેવા માટે સાનુકૂળ હોય તેવી કોવિડ-19ની આશાસ્પદ રસી તૈયાર કરી રહેલા ભાગીદારો માટે પ્રાપ્ય બનાવવા તરફના તેના પ્રયાસોને પ્રાથમિકતા આપી છે.