જીનિવા: વિશ્વભરમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર સંક્રમિતોની સંખ્યા 6,34,835 થઇ છે. વિશ્વ સ્વાસ્થય સંગઠને જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 63,159 નવા કેસ સામે આવ્યા છે અને 3,464 લોકોના મોત થયા છે. કોરોના વાઇરસ ટ્રેકર વેબસાઇટ વર્લ્ડોમીટર ( Worldometer) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 722,088 લોકો વાઇરસથી સંક્રમિત છે અને 33,976 લોકોના મોત થયા છે.
વિશ્વ સ્વાસ્થય સંગઠન અનુસાર સંક્રમણથી વધુ કેસ યૂરોપીય દેશોમાં સામે આવ્યા છે. યૂરોપીય દેશોમાં ઇટલીમાં સૌથી વધુ લોકો સંક્રમિત છે. ઇટલીમાં સંક્રમિતોની સંખ્યા એક લાખની નજીક પહોંચી છે. સ્પેનમાં 72,000 અને જર્મનીમાં 52,000 લોકો સંક્રમિત છે. વધુમાં જણાવીએ તો ઇટલી અને સ્પેનમાં જ સૌથી વધુ મોત થયા છે. ઇટલીમાં 10,023 અને સ્પેનમાં 5,690 લોકોના મોત થયા છે.
કોરોના વાઇરસથી યૂરોપીય દેશો બાદ અમેરિકા સૌથી વધુ પ્રભાવિત થયું છે. જ્યાં 103,000 લોકો સંક્રમિત થયા છે. મૈક્સિકોથી 145 નવા કેસ સામે આવ્યા છે અને ચાર લોકોના મોત થયા છે. નીદરલેન્ડમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 હજારને પાર થઇ છે.