લંડન: અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડના મૃત્યુ બાદ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં જાતિવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન લંડનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું.
સેન્ટ્રલ લંડનમાં બ્લેક લાઈવ્સ મેટર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ સમય દરમિયાન દેખાવકારોએ પોલીસ લાઈન પર પોતાના હાથમાં રહેલી વસ્તુઓ ફેંકવાની શરૂઆત કરી હતી. મહત્વનું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરીસ જહોનસનનું કાર્યાલય પોલીસ લાઈનની નજીક આવેલું છે.
રવિવારે અમેરિકન એમ્બસીની બહાર થેમ્સ નદીના કિનારે ભેગા થયેલા કેટલાંક દેખાવકારોએ સેન્ટ્રલ લંડન તરફ કૂચ કરવાનું શરુ કર્યું હતું.
આપને જણાવી દઈએ કે, શનિવારે પણ સેન્ટ્રલ લંડનમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ થયું હતું.