- બે ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત
- આ ઘટનામાં 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા
- અકસ્માતને કારણે મિલ્લત એક્સપ્રેસની કોચ પાટા પરથી ઉતરી ગયા
ઘોટકી(પાકિસ્તાન): સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં ધરકી શહેર નજીક બે ટ્રેનો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાનની ન્યૂઝ વેબસાઇટ ડોન પર આ માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટક્કર મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ વચ્ચે થઈ હતી. મિલ્લટ એક્સપ્રેસ લાહોરથી કરાચી જઈ રહી હતી. અકસ્માતને કારણે મિલ્લત એક્સપ્રેસની કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
આ પણ વાંચો: પૂર્વ તાઈવાન ટ્રેન હાદસામાં 36 યાત્રિકોના મોત, 72 ઈજાગ્રસ્ત, બચાવકાર્ય ચાલુ
સિંધની ઘોટકી, ધરકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ જાહેર
ટ્રેનના અકસ્માત બાદ સિંધની ઘોટકી, ધરકી, ઓબેરો અને મીરપુર મેથેલો હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે અને ડૉકટરો અને પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યા છે. ઘોટકીના ડેપ્યુટી કમિશનર ઉસ્માન અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા હતા. જ્યારે 50 ઇજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું હતું કે, કોચ પલટી જવાને કારણે અટવાયેલા પ્રવાસીઓને બહાર કાઢવામાં મુશ્કેલી થતા મૃત્યુઆંક વધી શકે છે.
આ પણ વાંચો: ઓડિશાના કટક પાસે ટ્રેન અકસ્માત, મોટી દુર્ધટના ટળી, 30 લોકો ઘાયલ
જિલ્લામાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી
ડેપ્યુટી કમિશનરે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં 13થી 14 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જ્યારે 6થી 8 કોચ સંપૂર્ણ નાશ પામ્યા હતા. નાગરિકોને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવો પડશે. જેમાં સમય લાગશે. તેમણે કહ્યું કે જિલ્લામાં મેડિકલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને તમામ તબીબો અને પેરામેડિકલ સ્ટાફને બોલાવાયા છે. અમે નાગરિકોને તબીબી સહાય આપવા માટે એક તબીબી શિબિર પણ ગોઠવી રહ્યા છીએ.