- રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ ભારતના વિદેશ પ્રધાન સાથે યોજશે બેઠક
- અમેરિકાના વિશેષ દૂત જોન કેરી પર્યાવરણ પ્રધાન સાથે યોજશે બેઠક
- રશિયા સાથેની બેઠકમાં વેક્સિન અંગે થઈ શકે છે મહત્વપૂર્ણ ચર્ચાઓ
નવી દિલ્હી: રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ અને અમેરિકાના વિશેષ દૂત જોન કેરી સોમવારે સાંજે રાજધાની દિલ્હી ખાતે પહોંચ્યા હતા. રશિયાના વિદેશ પ્રધાન લાવરોવની ભારતની બે દિવસીય યાત્રામાં આજે એટલે કે મંગળવારે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો: રશિયાના વિદેશ પ્રધાન સોમવારથી બે દિવસ ભારતના પ્રવાસે
અફઘાનિસ્તાનમાં શાંતિને લઈને થઈ શકે છે ચર્ચા
એસ. જયશંકર અને સર્ગેઈ લાવરોવ વચ્ચેની વાતચીતમાં અફઘાનિસ્તાન પર ચાલી રહેલી શાંતિ વાટાઘાટો પર વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે. ગત મહિને રશિયા દ્વારા આયોજીત બેઠકમાં અમેરિકા, પાકિસ્તાન તેમજ અફઘાનિસ્તાન સરકારના પ્રતિનિધિઓ અને તાલિબાનના સભ્યોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારતને આમંત્રણ અપાયું ન હતું.
ભારત રશિયાની 'સ્પુટનિક' વેક્સિન બનાવનારો ચોથો દેશ
રશિયાએ કહ્યું છે કે, ભારત એક મુખ્ય પ્રાદેશિક દેશ છે અને અફઘાનિસ્તાનમાં શાંતિમાં તેનો(ભારતનો) હિસ્સો છે. અફઘાનિસ્તાન પણ ઈચ્છે છે કે, ભારત અફઘાનિસ્તાનમાં શાંતિમાં વધુ મહત્વની ભૂમિકા ભજવે. ભારત અને રશિયા પણ કોવિડ-19 વેક્સિનના ડેવલપમેન્ટ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે. ભારત રશિયા દ્વારા તૈયાર કરાયેલી વેક્સિન 'સ્પુટનિક' રશિયાની બહાર ઉત્પાદન કરનારો ચોથો સૌથી મોટો દેશ બન્યો છે. આ ચર્ચામાં S-400ની ડિલિવરીનો મુદ્દો પણ આવે તેવી શક્યતા છે. જયશંકર અને લાવરોવ આ વર્ષના અંતે યોજાનારી દેશોના વડાઓની ઉચ્ચ સ્તરીય બેઠક માટે ચર્ચા અને તૈયારીઓ પણ કરશે. પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સંઘર્ષ પણ આ ચર્ચામાં આવી શકે છે.
આ પણ વાંચો: રશિયા જતી વખતે વિદેશ પ્રધાન જયશંકર ઈરાનના વિદેશ પ્રધાન સાથે કરી શકે છે મુલાકાત
અમેરિકાના વિશેષ દૂત ક્લાઈમેટ ચેન્જને લઈને કરશે ચર્ચા
અમેરિકાથી રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા વિશેષ દૂત જોન કેરી પણ ભારતના 4 દિવસીય પ્રવાસ પર છે અને પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે આજે એટલે કે મંગળવારે મુલાકાત કરશે. કેરીના ભારતની મુલાકાત અંગે અમેરિકન દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ક્લાઈમેટ અંગેની વાટાઘાટો માટે વિશેષ દૂત તરીકે નિયુક્ત કરાયેલા જોન કેરી 1થી 9 એપ્રિલ સુધી અબુધાબી, નવી દિલ્હી અને ઢાકાની મુલાકાતે છે. આ મુલાકાત રાષ્ટ્રપતિ જો બાઈડેન 22 અને 23 એપ્રિલના રોજ આયોજીત ક્લાઈમેટ સમિટને અનુલક્ષીનો યોજવામાં આવી છે.