- રશિયામાં આવેલા કજાન શહેરની એક શાળામાં ગોળીબારની ઘટના
- 8 લોકોએ જીવ ગૂમાવ્યો
- ઘટનામાં અન્ય 21 લોકો ઇજાગ્રસ્ત થયા
મોસ્કો : રશિયામાં આવેલા કજાન શહેરની એક શાળામાં ગોળીબારની એક ઘટનામાં 8 લોકોએ જીવ ગૂમાવ્યો છે, જેમાં 7 બાળકો અને 1 શિક્ષકનો સમાવેશ થાય છે. આ ઘટનામાં અન્ય 21 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ અંગે રશિયાની સરકારી RIA નોવોસ્તી ન્યૂઝ એજન્સી દ્વારા સ્થાનિક આપાતકાલિન સેવાના માધ્યમથી આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો - રશિયાથી "સ્પુતનિક-વી"ની રસીની પ્રથમ ખેપ પહોંચી હૈદરાબાદ
પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
ઇન્ટરફેક્સ સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, બે બદૂકધારી શખ્સોએ શાળામાં ગોળીબારી કરી હતી. જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે, જેની ઉંમર 19 વર્ષ છે. સ્થાનિક અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘણા બાળકોને શાળા બહાર લાવવામાં સફળતા મળી હતી, જ્યારે અમુક બાળકો શાળામાં ફસાઇ ગયા હતા. કજાનની તમામ શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કજાન રશિયાના તતારસ્તાન વિસ્તારની રાજધાની છે, જે મોસ્કોથી 700 KM દૂર છે. હાલ પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - રશિયા સાથે સારા સંબંધો કેળવવાની જરૂર છે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પિડિત પરિવારો અને આ ઇજાગ્રસ્ત થયેલા લોકો પ્રતિ સહાનુભુતિ વ્યક્ત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પિડિત પરિવારો અને આ ઇજાગ્રસ્ત થયેલા લોકો પ્રતિ સહાનુભુતિ વ્યક્ત કરી છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે હથિયાર રાખવા અંગેના કાયદામાં સુધારો કરવાનો આદેશ પણ આપ્યો છે. રશિયાના આપાતકાલિન મંત્રાલયના કજાનમાં ડૉક્ટર્સ અને આરોગ્ય સુવિધા સાથેનું એક વિમાન મોકલ્યું છે. રશિયામાં ગત વર્ષોમાં શાળા પર હુમલા કરવાની ઘટના વધી રહી છે, આ હુમલા મોટાભાગે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - રશિયાએ મંજૂરી આપેલી રસી ઉન્નત પરીક્ષણ ચરણોમાં નથીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન