મોસ્કોઃ રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્તિને કહ્યું કે, તેમને કોરોના પોઝિટિવ થયો છે અને તેમણે એકાંતમાં રહેવા માટે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને માહિતી આપી છે.
ઉપ-વડાપ્રધાન આંદ્રેઈ બેલૌસોવ તેમનો કાર્યભાર સંભાળશે. જો કે, વડાપ્રધાને કહ્યું કે, તે મુખ્ય મુદ્દાઓને લઇને સંપર્કમાં રહેશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વડાપ્રધાન મિશુસ્તિનને સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મોદીએ કહ્યું કે, કોવિડ-19 મહામારી વિરુદ્ધ આ લડાઈમાં હું રશિયાની સાથે છું.
ઉલ્લેખનીય છે કે, 54 વર્ષીય મિશુસ્તિને જાન્યુઆરીમાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા.
એક વીડિયો કોલના માધ્યમથી રાષ્ટ્રપતિ પુતિને આશા વ્યક્ત કરી કે, કોરોના વાઇરસ મહામારીથી અસરગ્રસ્ત રશિયાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે મિશુસ્તિન નીતિઓ બનાવવા માટે થનારી બેઠકમાં ભાગ લેતા રહેશે.