પાકિસ્તાનમાં આઝાદી માર્ચનું નેતૃત્વ કરી રહેલા મૌલાના ફઝલુર રહમાને વડાપ્રધાન ઇમરાન ખાન સૈન્યના ઇશારે કામ કરી રહ્યા છે અને દેશમાં જાહેર કર્યા વિના જ માર્શલ લો ચાલી રહ્યો હોવાના આક્ષેપ કરતા ઇમરાન ખાનને બે દિવસમાં રાજીનામું આપવા મહેતલ આપી છે. પરંતુ મૌલાનાના આ આક્ષેપ સામે સ્વયં સૈન્યે મોરચો સંભાળી લીધો છે. પાકિસ્તાની સૈન્યે શનિવારે ચેતવણી આપી હતી કે, દેશમાં કોઇને અસ્થિરતા અને અવ્યવસ્થા પેદા કરવા નહીં દેવાય. ઇસ્લાબાદ ખાતે રેલીને સંબોધતા રહમાને ઇમરાનને પાકિસ્તાનના ગોર્બોચોવ જાહેર કરતા ઇમરાનને શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકોના સંયમની કસોટી લીધા વિના ઇમરાન બે દિવસમાં પદ છોડી દે. તેમણે કહ્યું હતું કે, સંસ્થાઓ નહીં પણ માત્ર પાકિસ્તાનના લોકોને આ દેશ પર શાસન કરવાનો અધિકાર છે.રહમાને એમ પણ જણાવ્યું હતું કે, આપવામાં આવેલી મહેતલમાં ઇમરાન રાજીનામું ના આપે તો કયાં પગલાં લેવા તે અંગે વિરોધપક્ષો સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. ઈમરાન ખાનના રાજીનામાની માંગ સાથે જમિયત ઉલેમા-એ-ઈસ્લામ ફઝલ(JUI-F)ના નેતા મૌલાના ફઝલુર રહેમાનના નેતૃત્વમાં વિરોધ પક્ષની 'આઝાદી માર્ચ' ઈસ્લામાબાદ પહોંચી ગઈ છે. રાજધાનીમાં જુલુસની આગેવાની કરી રહેલા મૌલાના ફઝલુર રહેમાને જણાવ્યું કે, તેમની પાર્ટી દ્વારા પીટીઆઈ સરકારને અલ્ટીમેટમ આપી દેવાયું છે કે, તેમનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. આ તો સેનાએ બેસાડેલો વડાપ્રધાન છે અને તેને ઉખેડી ફેંકવા અમે અહીં આવ્યા છીએ.
અમારી એ માગણી છે કે, વર્તમાન સરકાર તદ્દન નકલી છે. અમારો દેશ સંપૂર્ણપણે આઝાદ નથી એટલે જ અમે આ માર્ચનું નામ 'આઝાદી માર્ચ' રાખ્યું છે. અમે ઈસ્લામ અને સરકારને આઝાદ કરાવા માગીએ છીએ. જ્યાં સુધી તે લોકો આઝાદ નહીં થાય ત્યાં સુધી અમે પાછા નહીં જઈએ. અગાઉ ઘણું થતું રહ્યું છે, પરંતુ આ સરકારે દેવાળુ ફૂંક્યું છે. ઈસ્લામના વિરુદ્ધમાં વાતો કરનારા લોકોને ખુલ્લી આઝાદી આપવામાં આવેલી છે.