ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં પાયલટોને લઇને ચોંકાવનારી માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનમાં 262 પાયલટોની પાસે નકલી લાયસન્સ છે, કારણ કે, તે ક્યારેય વ્યક્તિગત રીતે કોઇ પરીક્ષામાં સામેલ થયા નથી.
પાકિસ્તાનના ઉડ્ડયન પ્રધાન ગુલામ સરવર ખાને રિપોર્ટમાં કહ્યું છે કે, 262 પાયલટોએ પોતે પરીક્ષા આપી નથી અને પૈસા આપીને પોતાના બદલે બીજાને પરીક્ષામાં બેસાડ્યા છે. નેશનલ અસેમ્બ્લીમાં બોલતા તેમણે કહ્યું કે, પાયલટો પાસે ઉડાનનો અનુભવ પણ નથી.
પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે (PIA) નકલી લાયસન્સ રાખનારા પાયલટો પર પ્રતિબંધ લગાવ્યો છે. પીઆઇના પ્રવક્તા અબ્દુલ ખાને કહ્યું કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ સ્વીકાર કરે છે કે, નકલી લાયસન્સ માત્ર પીઆઇનો મુદ્દો નથી, પરંતુ સમગ્ર પાકિસ્તાની એરલાઇન ઉદ્યોગમાં ફેલાયેલો છે. તેમણે કહ્યું કે, અમુક નકલી પાયલટ વિદેશી વિમાન માટે ઉડાન ભરી રહ્યા છે.
મહત્વનું છે કે, ગત્ત 22 મેએ પીઆઇનું એક વિમાન કરાચીમાં ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 97 લોકોના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાની તપાસમાં પાયલટોના નકલી લાયસન્સનો ખુલાસો થયો હતો.