નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત-નેપાળ સરહદ પર લોકોની સઘન તપાસ કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે, નેપાળમાં કોરોનાવાયરસ મળી આવ્યાની પુષ્ટિ થઈ છે. જેથી કેન્દ્રીય વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને દિલ્હીમાં કોરોનાવાયરસના જોખમના પગલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ, ICMR સહિત અન્ય નિષ્ણાંતોએ વાયરસને નાથવા માટે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો.
જે અંગે વાતચીત કરતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, "શનિવારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે આ વિષય પર ચર્ચા થઇ હતી, ત્યારબાદ ઉત્તરાખંડની બાજુમાં આવેલા નેપાળ બોર્ડર દ્વારા ભારત આવતા લોકોને સ્ક્રીનીંગ કરવાની વ્યવસ્થા અંગેનો નિર્ણય લેવાયો છે. તેમજ તપાસ ઉપરાંત આરોગ્ય મંત્રાલય તાત્કાલિક રાજ્યને તમામ શક્ય સહાય પૂરી પાડશે."
વધુ વાત કરતાં હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, "કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાવાયરસ સાથે વ્યવહાર કરવા માટે નિષ્ણાંતોની સાત અલગ-અલગ ટીમો બનાવવાનો નિર્ણય લીધો છે. આ ટીમો દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ અને કોચી એરપોર્ટ ખાતે વાયરસ સામે કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થાઓમાં જોડાશે."
આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભમાં 011-23978046 એક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. જેના વિશે જણાવતાં મંત્રાલયે કહ્યું હતું કે, "આ હેલ્પલાઈન નંબર કોઈપણ પ્રકારની માહિતી માટે 24 કલાક ઉપલબ્ધ રહેશે."
આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં ભારતમાં કોઈ પણ વ્યક્તિ કોરોનાવાયરસથી પીડિત જોવા મળ્યું નથી. જો કે, હાલમાં 11 વ્યક્તિને શંકાના આધારે ડૉકટરોની દેખરેખ હેઠળ છે. તેમાંથી, ચાર વ્યક્તિઓની તપાસના પરીણામો આવ્યા છે. જેમાં તેઓ કોરોનાવાયરસથી પીડિત ન હોવાનું સામે આવ્યું છે."
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલય કોરોનાવાયરસ નિવારણ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, વિદેશ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંગઠન સાથે મળીને કામ કરી રહ્યું છે. જે અંતર્ગત વિદેશથી આવતા મુસાફરોના એરપોર્ટ પર વિશેષ તપાસ કરવામાં આવી રહી છે.