કાઠમંડુ: ગુરુવારે, દેશના નવા રાજકીય નકશાને અપનાવવા સંબંધિત નેપાળી સંસદના હાઈ ગૃહમાં બંધારણ સુધારણા બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે આ બિલ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. નેપાળના નવા રાજકીય નકશામાં લીપુલેખ, કલાપાની અને લિમ્પીયાધુરાનો વિવાદિત વિસ્તાર બતાવવામાં આવ્યો છે, જ્યારે તે ભારતનો પ્રદેશ છે.
તેમ છતાં, આ વિવાદિત નકશા નેપાળની રાષ્ટ્રીય વિધાનસભાના બંને ગૃહો દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા છે, પરંતુ પડોશી દેશ નેપાળના આ એકપક્ષી પગલા પર ભારતે વાંધો ઉઠાવ્યો છે. ભારતે તેના નવા નકશામાં ભારતીય ક્ષેત્ર પર નેપાળના દાવાને અસ્વીકાર્ય ગણાવ્યા છે. ભારત નેપાળના આ વિવાદિત નક્શાનો વિરોધ કરતુ આવ્યું છે છતા નેપાળે તેના પર કોઇ જ ધ્યાન ન આપ્યું અને આખરે ભારતના જ કેટલાક હિસ્સાને પોતાનો બતાવી નક્શો જાહેર કરી દીધો. આ નક્શા માટેના બિલને નેપાળના કાયદા પ્રધાન ડો. શિવમાયા તુમ્બાડે પ્રતિનિધિ સભા એટલે કે સંસદના નીચલા ગૃહમાં રજુ કર્યું હતું. જેના સમર્થનમાં 258 મત પડયા હતા અને વિરોધમાં એક પણ મત નહોતો પડયો. એટલે કે નેપાળની સત્તાધારી અને વિરોધ પક્ષ બન્નેએ મળીને આ બિલને મોહર મારી દીધી છે અને ભારતના કેટલાક હિસ્સાને પોતાના જાહેર કરી દીધા છે.
બીજી તરફ નેપાળે ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભારત-નેપાળ સરહદની બાજુમાં સૈન્ય પ્રવૃત્તિઓ વધારી દીધી છે. બુધવારે નેપાળ આર્મી ચીફ પૂરણચંદ્ર થાપા અને નેપાળ બોર્ડર પોલીસ આઇજી શૈલેન્દ્ર ખનાલ નેપાળી આર્મીના હેલિકોપ્ટરમાં દાર્ચુલા પહોંચ્યા હતા. બંને અધિકારીઓએ નેપાળના છાંગરૂમાં બનાવેલી સૈન્ય ચોકીનું નિરીક્ષણ કર્યું હતું. બંને ઉચ્ચ અધિકારીઓએ હેલિકોપ્ટર દ્વારા ઉચ્ચ હિમાલયના વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું હતું.
છાંગરૂ મિલિટરી પોસ્ટની સ્થાપના પછી નેપાળ આર્મી ચીફનું આ પ્રથમ નિરીક્ષણ છે. જ્યારે સરહદ પર નેપાળ આર્મીની પ્રવૃત્તિઓમાં વધારો થયા બાદ ભારતીય સૈન્ય એજન્સીઓ પણ સજાગ થઈ ગઈ છે. SSBએ ભારત-નેપાળ બોર્ડર પર પેટ્રોલિંગ વધારી દીધુ છે. ભારતીય સૈનિકો નદીના વિસ્તારમાં કોમ્બિંગ કરીને દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે.
નેપાળે સૌથી પહેલા આ નવો નક્શો 18મી મેએ જાહેર કર્યો હતો. આ નક્શામાં નેપાળે લિપુલેખ, કાલાપાની વગેરેને પોતાના બતાવી દીધા છે. આ પહેલા ભારતે લિપુલેખથી ધારાચુલા સુધી રસ્તો તૈયાર કર્યો હતો કે જેથી કૈલાશ માનસરોવર યાત્રા કરવામાં લોકોને સરળતા રહે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આઠ મેના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ નેપાળની સરકારે તેનો વિરોધ કર્યો હતો. જોકે નેપાળ અગાઉ પણ આ મામલે વિવાદો કરી ચુક્યું છે. નેપાળના આ નક્શાને લઇને ભારતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ નક્શો ઐતિહાસિક હકિકતોની તદ્દન વિરૂદ્ધમાં છે.
નેપાળ લિપુલેખ અને અન્ય બે વિસ્તારોને પોતાના હોવાના દાવા કરતુ આવ્યું છે. નેપાળ પોલીસે સરહદે ભારતીય ખેડૂતો પર ગોળીબાર કર્યો હતો જેને પગલે એક ભારતીય નાગરિકનું મોત નિપજ્યું હતું. પહેલી વખત નેપાળ સરહદે તંગદીલી વધી ગઇ છે. ચીનના ઇશારે કામ કરી રહેલું નેપાળ ભારતને દરરોજ નવા નવા પડકારો ફેકી રહ્યું છે.
નેપાળે ભારતના સરહદના કેટલાક વિસ્તારોને પોતાના નામે કરી લીધા છે. આ માટે તેણે બંધારણમાં સંશોધન કરતા એક નવા બિલને પણ સંસદમાં પસાર કરી દીધુ છે જેને પગલે નેપાળ નવો નક્શો જારી કરી શકશે. આ સ્થિતિ વચ્ચે હવે ભારતે નેપાળના આ પગલાની આકરી ટીકા કરી છે. ભારતે કહ્યું છે કે નેપાળે આર્ટિફિશિયલ દાવાઓ સાથે ભારતીય સરહદના કેટલાક ભાગને પોતાનો જાહેર કરતો નક્શો બહાર પાડી દીધો છે.
ભારતના વિદેશી બાબતોના મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે નેપાળે આ પગલુ ભરીને સરહદે જે વિવાદ ચાલી રહ્યો છે તે મુદ્દ વાતચીતથી નિરાકરણ લાવવાની સમજૂતીનો પણ ભંગ કર્યો છે. નેપાળ એક તરફ વાતચીતથી નિરાકરણ લાવવાની વાત કરે છે જ્યારે બીજી તરફ ભારતના જ હિસ્સાને પોતાનો દર્શાવતા નક્શા જાહેર કરવા લાગ્યું છે. નેપાળનું આ પગલુ અસ્વીકાર્ય છે. ભારતે પોતાના વિરોધમાં કહ્યું છે કે નેપાળના આ બનાવટી નક્શામાં હકિકત અને સત્ય ક્યાં છે જ નહીં આ ઇતિહાસના તથ્યોની સાથે પણ ચેડા છે.