કાઠમાંડુ: નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના વિવાદાસ્પદ નિવેદનમાં ભગવાન શ્રી રામને નેપાળી ગણાવ્યા હતા. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ત્યારે બીજી તરફ નેપાળમાં કેપી શર્મા ઓલીની ખુરશી પણ જોખમમાં છે.
રાષ્ટ્રને સંબોધન કરતી વખતે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે, અસલી અયોધ્યા ભારતમાં નથી નેપાળમાં છે. નેપાળના પૂર્વવડા પ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' સહિત NCPના વરિષ્ઠ નેતાઓએ વડાપ્રધાન ઓલીના રાજીનામાની માગ કરી છે. તેમનું કહેવું છે કે, ઓલીની ભારત વિરોધી ટિપ્પણી 'રાજકીય રીતે યોગ્ય નથી'.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારત વિરુદ્ધ ખોટી નિવેદનબાજી કરી ખુદની પાર્ટીમાં ફસાઇ ગયા છે. ઓલીએ ભારત પર પોતાની સરકાર પાડવા અને વડાપ્રધાન પદ પરથી હટાવવા માટે ભારત, ભારતીય મીડિયા અને ભારતીય દૂતાવાસ પર આરોપ લગાવ્યો હતો.
ગુરુવારે નેપાળે દુરદર્શન સિવાયની તમામ ભારતીય ન્યુઝ ચેનલોનું પ્રસારણ બંધ કરી દીધું હતું અને આક્ષેપ કર્યા હતા કે આ ચેનલો પર જે સમાચાર બતાવવામાં આવી રહ્યા છે તેથી દેશની રાષ્ટ્રીય ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.