પાકિસ્તાનઃ બલુચિસ્તાન પ્રાંતની સરકારે ઈરાન બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં કોરોના વાયરસના પ્રભાવને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી લાગુ કરી છે. પ્રાંતીય સરકારે આ નિર્ણય કોરોના વાયરસના કારણે 4 લોકોના મોત થયા બાદ લીધો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને શનિવારે બલુચિસ્તાનના મુખ્ય પ્રધાન જમ કમાલ અલયાની સાથે વાતચીત કરીને કોરોના વાયરસને દેશમાં પ્રવેસતો અટકાવવા સંભવિત ઉપાયો અંગે ચર્ચા વિચારણા કરી હતી. ઈમરાન ખાને અલયાનીને પ્રાંતના ઈરાન બોર્ડર સાથે જોડાયેલા જિલ્લાઓમાં સુરક્ષાત્મક પગલા લેવા સુચવ્યું છે. પ્રાંતીય આરોગ્ય વિભાગે બોર્ડર પર સ્થિત તફતાનમાં એક ઈમરજન્સી સેન્ટર અને કન્ટ્રોલ રૂમ બનાવ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, આ ઈમરજન્સી કંટ્રોલ રૂમમાં બે ડૉક્ટર છે.
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા કિયાનોશ જહાંપોરે જણાવ્યું હતું કે, કોવિડ-19ના ચાર નવા કેસ તેહરાનમાં, પવિત્ર શહેર કૌમમાં સાત, ગિલાનમાં બે અને મારકાજી અને ટોનેકાબોનમાં એક-એક કેસ નોંધાયા છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રવિવારે ઈરાનમાં કોરોના વાયરસને કારણે વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 15 નવા કેસોમાં નોંધાયા હતા. આ સાથે, દેશમાં કોરોના વાયરસને કારણે મૃત્યુઆંક વધીને 8 પર પહોંચી ગયો છે, જ્યારે કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 43 થઈ છે.