બિજીંગ:અમેરિકન ટીમને વુહાનની મુલાકાત માટે કોરોના વાઈરસની ઉત્પત્તિની તપાસ માટે પરવાનગી આપે તેવી માગ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જે માગણી ચીને ફગાવી દીધી છે. ચીને ટ્રમ્પની માગણીને નકારી કાઢતાં જણાવ્યું કે, ચીન પણ અન્ય દેશોની જેમ કોરોના વાઈરસનો ભોગ બન્યા છે. ચીન આમાં ગુનેગાર નથી.
યુનાઈટેડ સ્ટેટ્સે તપાસ શરૂ કરી છે કે, શું આ જીવલેણ વાઈરસ વુહાનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં બનાવવામાં આવ્યો છે કે કેમ. ટ્રમ્પના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, વાયરસ સમગ્ર માનવ જાતિનો દુશ્મન છે. વાઈરસ દુનિયામાં ગમે ત્યારે કોઈપણ જગ્યાએથી ફેલાઈ શકે છે. અન્ય દેશની જેમ ચીન પણ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. આ બાબતે ગુનેગાર નથી પણ પીડિત છે.
આ દરમિયાન, અમેરિકામાં કોરોના વાઈરસના કારણે 41 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 7 લાખ 64 હજારથી વધુ છે. કોરોના વાઈરસ પ્રથમ વખત ચીનના શહેર વુહાનમાં દેખાયો હતો. ટ્રમ્પ અને ઘણા અમેરિકન નેતાઓએ કોરોના વાઈરસ વિશે પૂરતી માહિતી શેર ન કરવા બદલ ચીન સામે કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. નવા આંકડા મુજબ ચીનમાં આ રોગચાળાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,632 થઈ ગઈ છે.
ચીને જણાવ્યું કે, કોરોના વાઈરસ ફેલાયો ત્યારથી ચીન પારદર્શક રહીને કાર્ય કરી રહ્યું છે. કોરોના વાઈરસને કાબૂમાં લેવાના ચીનાના પ્રયાસોથી આંતરરાષ્ટ્રીય સમુદાયને મૂલ્યવાન અનુભવ પુરો પાડ્યો છે, જેનાથી તેમના દેશોમાં આ કોરોના વાઈરસ સામે લડતમાં મદદ મળી શકે.
નોબેલ પ્રાઈઝ વિજેતા ફ્રેન્ચ વૈજ્ઞાનિક લ્યુક મોન્ટાગ્નિઅરે નિવેદન આપ્યું હતું કે, કોરોના વાઈરસ પ્રયોગ શાળામાંથી આવ્યો છે. અને તે એઈડ્સની રસી બનાવવાના પ્રયત્નોનું પરિણામ છે. આ અંગે ગેંગ શુઆંગે આ વાતનો જવાબ આપ્યો કે, ઘણા વૈજ્ઞાનિકો તેમજ WHOએ આ બાબતને પાયા વિહોણી હોવાનું જણાવ્યું છે.