- ચીને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને પછાડ્યો
- દુનિયાની સંપત્તિમાં એક તૃતિયાંશ ભાગ ચીનનો
- છેલ્લા 20 વર્ષમાં અમેરિકાની સંપત્તિ બમણી થઈ
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (joe biden) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (xi jinping)ની વચ્ચે વર્ચુઅલ બેઠક થઈ. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર કટ્ટરતા દૂર કરવાની વાત કરી છે. આ તમામની વચ્ચે એક મોટા સમચાાર આવી રહ્યા છે કે ચીને દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા (America)ને પછાડી દીધો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષમાં દુનિયાની સંપત્તિ (wealth of the world) 3 ઘણી થઈ ગઈ છે.
દુનિયાની કુલ સંપત્તિમાં ડ્રેગનની ભાગીદારી એક તૃતિયાંશ થઈ
તો દુનિયાની કુલ સંપત્તિ (total wealth of the world)માં ડ્રેગનની ભાગીદારી હવે એક તૃતિયાંશ થઈ ગઈ છે. એટલું જ નહીં, છેલ્લા 2 દાયકાઓ દરમિયાન સંપત્તિના મામલે અમેરિકાને ડ્રેગને પછાડી દીધું છે અને તે પહેલા નંબરે આવી ગયું છે. દુનિયાની 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશોની બેલેન્સશીટ પર નજર રાખનારી મેનેજમેન્ટ કન્સલટન્ટ મેકિન્સે એન્ડ કંપની (Management Consultant McKinsey & Company)ની રિસર્ચ બ્રાન્ચના રિપોર્ટમાંથી આ માહિતી બહાર આવી છે.
ગણ્યા-ગાંઠ્યા હાથોમાં ધનિક દેશોની સંપત્તિ
વિશ્વમાં સર્વાધિક સંપત્તિવાળા ચીન અને બીજા નંબર પર રહેલા અમેરિકામાં પણ ધનનો મોટો ભાગ ગણ્યા-ગાંઠ્યા અમીરો પાસે છે. રિપોર્ટ પ્રમાણે, આ બંને અમીર દેશોમાં 10 ટકા વસ્તી પાસે સૌથી વધારે ધન છે. એટલું જ નહીં, આ બંને દેશોમાં આવા અમીરોની સંખ્યા વધતી જઈ રહી છે, જે સ્પષ્ટ રીતે ગરીબી-અમીરીની વચ્ચે મોટું અંતર પેદા કરી રહી છે.
વિશ્વની 68 ટકા સંપત્તિ સ્થાવર
વર્ષ 2000માં વિશ્વની કુલ સંપત્તિ 156 ખર્વ ડોલર હતી, જે આગામી 20 વર્ષમાં એટલે કે 2020માં વધીને 514 ખર્વ ડોલર થઈ ગઈ છે. મેકિન્સે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટના સહયોગી જ્હોન મિશકેએ જણાવ્યું હતું કે, આપણે (વિશ્વ) હવે પહેલા કરતાં વધુ સમૃદ્ધ છીએ. મેકિન્સેની ગણતરી મુજબ, વૈશ્વિક કુલ સંપત્તિના 68 ટકા સ્થાવર સંપત્તિના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બાકીનામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી અને સાધનો જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ સિવાય બૌદ્ધિક સંપદા અને પેટન્ટના રૂપમાં બહુ ઓછો હિસ્સો અસ્તિત્વમાં છે.
ચીને માર્યો લાંબો કૂદકો, સૌથી અમીર બન્યું
રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2000માં ચીનની કુલ સંપત્તિ ફક્ત 7 ખર્વ ડોલર હતી, જે 2020માં ઘણી ઝડપી વધીને 120 ખર્વ ડોલર થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે વર્ષ 2000થી એક વર્ષ પહેલા જ ચીનને વિશ્વ વેપાર સંગઠનમાં પ્રવેશ મળ્યો હતો. આ દર્શાવે છે કે ચીનની અર્થવ્યવસ્થાએ ત્યારથી કેટલી ઝડપી વૃદ્ધિ કરી છે. 20 વર્ષના સમયગાળામાં દુનિયાએ જેટલી સંપત્તિ હસ્તગત કરી તેમાં લગભગ એક તૃતિયાંશ ભાગ ચીનનો છે.
બમણી થઈ અમેરિકાની સંપત્તિ
છેલ્લા 20 વર્ષમાં અમેરિકાની સંપત્તિ બમણી થઈ ગઈ છે. વર્ષ 2000માં અમેરિકાની સંપત્તિ 90 ખર્વ ડોલર હતી હતી. રિપોર્ટનું કહેવું છે કે અહીં પ્રોપર્ટીના ભાવમાં વધુ વધારો ન થવાને કારણે અમેરિકાની સંપત્તિ ચીન કરતાં ઓછી રહી અને તેણે પોતાનું નંબર વન સ્થાન ગુમાવ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 2 દાયકાઓ દરમિયાન દુનિયાની કુલ સંપત્તિમાં થયેલી ઝડપી વૃદ્ધિએ વૈશ્વિક કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)માં થયેલી વૃદ્ધિને પાછળ છોડી દીધું છે.
ઘર ખરીદવું ફક્ત સપનું થઈ જશે
વ્યાજના ભાવ ઘટવાના કારણે સંપત્તિની કિંમતો વધી ગઈ. સંપત્તિની કિંમતોમાં જે વધારો આવ્યો છે, તે આવકની તુલનામાં લાંબાગાળાની સરેરાશ કરતા લગભગ 50 ટકા વધારે છે. આનાથી વિશ્વની સંપત્તિની તેજીની સ્થિરતા પર પ્રશ્નો ઉભા થાય છે. જો વિશ્વમાં રિયલ એસ્ટેટના ભાવો આ રીતે વધતા રહેશે, તો લોકો માટે ઘર ખરીદવું અત્યંત મુશ્કેલ થઈ જશે, જેનાથી આર્થિક સંકટ ઉભું થશે. આમાંથી બહાર નીકળવા માટે વિશ્વએ એવા રોકાણ કરવા પડશે, જેનાથી વૈશ્વિક GDPમાં વધારો થાય.
આ પણ વાંચો: પ્રથમ ઓડિટ ડે ફંક્શનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- દેશની સામે પાછલી સરકારોની સત્યતા પૂરી ઈમાનદારી સાથે રાખી
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાનો સમય ખરાબ, કસ્ટમ વિભાગે હાર્દિક પાસેથી 5 કરોડની 2 ઘડિયાળો જપ્ત કરી