વૉશિંગ્ટન: હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, સેલિબ્રિટી, પ્રખ્યાત ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર એકાઉન્ટસ હેક કરી લીધા છે. બુધવારે હેકર્સે જેના ટ્વિટર હેક કર્યા છે. તેમાં માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક, અમેરિકી રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ, વોરેન બફેટ એપલ, ઉબેર સહિત અન્યના ટ્વિટર એકાઉન્ટ્સ હેક થઈ ગયા છે.

હેકર્સે તેમના એકાઉન્ટ પરથી ટ્વીટ કરી અને બિટકોઇન માંગ્યાં છે. હેકર્સે માઇક્રોસોફ્ટના સહ સ્થાપક બિલ ગેટસના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું કે, 'દરેક વ્યક્તિ મને એકાઉન્ટ પાછું આપવા કહે છે અને હવે સમય આવી ગયો છે. હું આગામી 30 મિનિટ માટે બીટીસી સરનામાં પર મોકલવામાં આવેલ બધાં પેમેન્ટને બમણું કરી રહ્યો છું. તમે એક હજાર ડોલર મોકલો અને હું તમને બે હજાર ડોલર પાછા મોકલીશ.'

આ પોસ્ટ કરવાના થોડા મિનિટમાં આ ટ્વીટ ડીલીટ પણ થઇ ગયું છે. જો કે, હજી સુધી કોઇ સમાચાર મળ્યાં નથી કે, આખરે કોણે આ હસ્તીઓના ટ્વીટર એકાઉન્ટને નિશાન બનાવ્યું છે.

હેકિંગની ઘટના બાદ ટ્વિટરે ટ્વિટ અને રીટ્વીટ ફંકશનને ડિસેબલ કરી દીધું હતું. ટ્વિટરે કહ્યું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ. જેના કારણે યુઝર્સ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી હાલ માટે ટ્વિટ કરી શકશે નહીં. તેમજ પાસવર્ડ પણ ફરીથી રિસેટ કરી શકશે નહીં.