વૉશિગ્ટનઃ ચીનમાં કોરોના વાયરસની મરનારની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેની દહેશત હવે અન્ય દેશોમાં પણ ફેલાઈ રહ્યો છે, ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે આ રોગચાળાને નાથવા માટે લેવાયેલા વિવિધ નિર્ણયો વિશે ચર્ચા કરી હતી.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તેમના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ કોરોના વાયરસને ડામવા માટેની કામગીરી હાથ ધરશે. જેમાં તેઓ સ્વાસ્થ્ય અધિકારીઓ અને પહેલાથી નિયુક્ત કરાયેલી ટાસ્ક ફોર્સ સાથે મળીને કામ કરશે. નોંધનીય છે કે, અમેરિકા પ્રશાસન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે કોઈ તૈયારી કરી રહ્યું નથી.
વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ સતત નોંધાયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ કોરોના વાયરસ સંબંધિત આંતરરાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી છે, ત્યારબાદ વિશ્વના તમામ દેશોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.