જેમ જેમ ૨૦૨૦ નજીક આવી રહ્યું છે અને પહેલાં જ ધ્રૂવીભૂત મતદારોના મગજ માટેની લડાઈ શરૂ થઈ છે તેમ તેમ લડી રહેલા પક્ષો-ડેમોક્રેટો અને રિપબ્લિકનો માટે આ નવો મોરચો છે. પૉલ બતાવે છે કે પાતળી બહુમતી મહાભિયોગને ટેકો આપે છે પરંતુ સુનાવણીથી મિજાજ બદલાઈ શકે છે. ટેલિવિઝન પર ચાલતી સુનાવણી બુધવારે શરૂ થઈ અને શુક્રવારે ચાલુ રહેશે- ત્રણ મહત્ત્વના સાક્ષીઓ જુબાની આપશે કે ટ્રમ્પે ડેમોક્રેટના રાષ્ટ્રપ્રમુખના ઉમેદવાર જૉ બિડેન અને તેમના પુત્ર હંટર બિડેનની સામે તપાસ કરવા માટે યુક્રેનના પ્રમુખ વૉલૉદીમીર ઝેલેન્સ્કી પર દબાણ લાવવા કઈ રીતે પોતાના પદની સત્તાનો દુરુપયોગ કર્યો.
જ્યારે બિડેન ઉપ રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે તેમના પુત્ર હંટર બિડેન યુક્રેનની કુદરતી ગેસ કંપનીના બૉર્ડમાં આવ્યા હતા. ટ્રમ્પ ઈચ્છતા હતા કે હંટરની શા માટે અને કઈ રીતે નિમણૂક થઈ તેની ઝેલેન્સ્કી તપાસ શરૂ કરે. અનેક અહેવાલો અનુસાર, ટ્રમ્પે જો ઝેલેન્સ્કી તેમની વાત ન માને તો લશ્કરી સહાય પેટે ૪૦ કરોડ ડૉલરની સહાય અટકાવી દેવાની ધમકી આપી હતી. રશિયા સામે સુરક્ષા માટે યુક્રેનને અત્યંત જરૂરી સહાય, અમેરિકી કૉંગ્રેસે મંજૂર કરી હોવા છતાં જુલાઈમાં અટકાવી દેવાઈ હતી. વિવાદ વધ્યો તે પછી છેવટે સપ્ટેમ્બરમાં નાણાં છૂટાં કરાયાં હતાં.
ડેમોક્રેટોએ સાક્ષીઓ દ્વારા ચોક્કસ પદ્ધતિ પૂરવાર કરવાની છે કે નાણાં કઈ રીતે સ્થગિત કરાયાં હતાં પરંતુ મેનેજમેન્ટ અને બજેટ ખાતામાં મહત્ત્વના અધિકારીઓએ હજુ જુબાની આપવા નકાર્યું છે. ગયા સપ્તાહે ૧૩ સાક્ષીઓને બંધ બારણે સુનાવણી માટે હાજર થવા કહેવાયું હતું પરંતુ માત્ર બે જ જણા આવ્યા. પરંતુ અન્ય અનેક સાક્ષીઓ- પૂર્વ અને ચાલુ વ્હાઇટ હાઉસ અને વિદેશ ખાતાના અધિકારીઓએ ટ્રમ્પ દ્વારા ગેરવાજબી તરફેણ (ક્વિડ પ્રૉ કૉ)નો પ્રમાણમાં મજબૂત કેસ બનાવ્યો છે. આ જુબાનીઓની નકલો ડેમોક્રેટોએ બહાર પાડી છે.
ઑગસ્ટમાં એક સચેતક (વ્હિસલ બ્લૉઅર)ની ફરિયાદથી યુક્રેનનો મુદ્દો શરૂ થયો હતો જ્યારે તેણે ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે ૨૫ જુલાઈએ થયેલી વાતચીતની વિગતો બહાર પાડી હતી. સચેતકે અનેક યુએસ અધિકારીઓ પાસેથી તેને મળેલી માહિતીને ટાંકીને ટ્રમ્પ પર “વિદેશ તરફથી હસ્તક્ષેપ માગવા માટે તેમના પદની સત્તાનો ઉપયોગ” કરવાનો આક્ષેપ કર્યો હતો. અનેક અધિકારીઓએ તે પછીથી આ વાતની પુષ્ટિ કરી છે. પરંતુ તે મહાભિયોગ થઈ શકે તેવો ગુનો છે કે નહીં તેના પર નિષ્ણાતો વચ્ચે ઘણી ચર્ચા છે.
અમેરિકી બંધારણ અનુસાર, પ્રતિનિધિઓનું ગૃહ રાષ્ટ્રપ્રમુખની સામે “દેશદ્રોહ, લાંચ કે અન્ય ઊંચા અપરાધો અને ખરાબ આચરણો” માટે મહાભિયોગ લાવી શકે છે. પરંતુ “ઊંચા અપરાધો” કોને કહેવાય તે અસ્પષ્ટ છે જેની વ્યાખ્યા આજના રાજકારણીઓ પર છોડી છે અને “મહાભિયોગની કલમો”નો મુસદ્દો ઘડવાનું પણ આજના રાજકારણીઓ પર છોડ્યું છે. આ કલમો લગભગ આરોપપત્ર જેવી જ છે જે જ્યાં ખટલો ચાલવાનો છે તે સેનેટમાં મોકલાશે. દોષી ઠરાવવા માટે બે તૃત્તીયાંશ બહુમતી જરૂરી છે. કૉંગ્રેસમાં ડેમોક્રેટોનું નિયંત્રણ હોવાથી, એવી પૂરી સંભાવના છે કે ટ્રમ્પ સામે મહાભિયોગ પસાર થશે. પરંતુ સેનેટમાં રિપબ્લિકનોની બહુમતી છે તેથી એ પણ પૂરી શક્યતા છે કે ટ્રમ્પ દોષી ન ઠરે.
જો ઇતિહાસને માર્ગદર્શિકા તરીકે માનીએ તો બિલ ક્લિન્ટ સામે મહાભિયોગ પસાર થયું હતું પરંતુ તેઓ દોષી ઠર્યા નહોતા. રિચાર્ડ નેક્સને તેઓની સામે મહાભિયોગ પસાર થાય તે પહેલાં જ રાજીનામું આપ્યું હતું કારણકે તેમની સામેના કેસને બંને પક્ષોનો ટેકો હતો. વૉટરગેટ કૌભાંડ બહાર આવ્યું અને દેશ તેમની સામે થઈ ગયો તે નિક્સનના કેસમાં ટેલિવિઝને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આજના વિશ્વમાં મહાભિયોગની પ્રક્રિયા ઘણી બધી જુદી છે અને તેનું એક સાદું કારણ છે- સૉશિયલ મિડિયાની હાજરી. એવી સંભાવના છે કે જેમ જેમ સુનાવણી થશે તેમ તેમ ટ્રમ્પ પોતાનો બચાવ કરશે, વળતી દલીલો કરશે અને તેમના સ્વભાવ પ્રમાણે સાક્ષીઓનું અપમાન કરશે.
લોકો ચાલી રહેલા ઘટનાક્રમ પર તે જેમ બનશે તેમ તરત જ ટીપ્પણી કરશે જેનો ઉપયોગ રાજકીય સંચાલકો તેમના પોતાના હેતુઓ માટે કરશે. જાહેર સુનાવણીઓ બીજા એક કારણથી પણ જોખમી છે- તેનાથી રિપબ્લિકનોને ષડયંત્રની વાતો વહેતી કરીને પ્રક્રિયામાં વમળ ઊભાં કરવાની તક મળી જશે. આવી એક વાત એ છે કે સચેતક ગુપ્તચર સમુદાયનો છે અને ટ્રમ્પનો જે વિરોધ કરે છે તે લોકોનો તે હિસ્સો છે કારણકે તેઓ (ટ્રમ્પ) વૉશિંગ્ટનમાં તે લોકોનું પ્રભુત્વ સમાપ્ત કરવા પ્રયાસ કરી રહ્યા છે.
ટ્રમ્પે પહેલાં જ મહાભિયોગની પ્રક્રિયાને “વિરોધી વ્યક્તિ સામે બદલો” ગણાવી છે અને ટ્વિટર પર પોતાનો આક્રમક બચાવ કર્યો છે અને તેમના સમર્થકોને ભેગા કર્યા છે. અમેરિકી કૉંગ્રેસમાં તેમના રિપબ્લિકન ટેકેદારો મોટા ભાગે તેમની પડખે ઊભા રહ્યા છે. તેઓ એમ તો કહે છે કે ઝેલેન્સ્કી સાથે તેમની ફૉન વાતચીત અયોગ્ય હતી અને “પૂર્ણ” નહોતી, પરંતુ ગુનો મહાભિયોગને પાત્ર નથી. ટ્રમ્પના બચાવકારોએ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી છે કારણકે ડેમોક્રેટોએ સચેતકની ઓળખ છતી કરવાની ના પાડી છે અને તેનો બચાવ કરવા પ્રતિજ્ઞા લીધી છે. કૉંગ્રેસના સાંસદ એડમ સ્કિફ જે ગૃહની ગુપ્તચર સમિતિના અધ્યક્ષ અને જાહેર સુનાવણી યોજવાના પ્રભારી છે તેમણે ગયા સપ્તાહે એક પત્રમાં કહ્યું હતું કે તેમની સમિતિ ટ્રમ્પ અને કૉંગ્રેસમાં તેમના સાથીઓને શરૂઆતમાં “ચેતવણીની ઘંટડી વગાડનાર સચેતક સામે ધમકી આપવા, ડરાવવા અને બદલો લેવા દેવા” નહીં દે.
એ નોંધવું અગત્યનું છે કે ગૃહનાં અધ્યક્ષા નાન્સી પેલોસી, જે દેશના ટોચની હરોળના ડેમોક્રેટ છે, તેઓ તેમના પક્ષની લિબરલ પાંખ તરફથી ભારે દબાણ છતાં મહાભિયોગનાં વિરોધી છે. તેને લાગે છે કે લોકો વધુ ધ્રૂવીભૂત થશે અને ચૂંટણીમાં ડેમોક્રેટને સહન કરવાનું આવશે કારણકે રોજીરોટીના મુદ્દાઓ પર ધ્યાન આપવાના બદલે સમય વેડફવા માટે તેમના પર દોષારોપણ કરાશે. સચેતકની ફરિયાદ પછી પેલોસીને ફરજ પડી હતી. એ કહેવું વહેલું છે ક મહાભિયોગની દરખાસ્તથી ૨૦૨૦ની ચૂંટણીને અસર થશે કે કેમ. જે સ્પષ્ટ છે કે અમેરિકા અને વિદેશોમાં આવનારા દિવસોમાં મહાભિયોગ હેડલાઇન તરીકે અનેક દિવસો સુધી ચાલુ રહેશે.
- લેખક- સીમા સિરોહી