- ઓલિમ્પિકનો બીજો દિવસ ભારત માટે રહ્યો નિરાશાજનક
- ભારતે બીજા દિવસે ફક્ત એક મેડલ જીત્યો
- ત્રીજા દિવસની મેચ પર રહેશે તમામની નજર
ટોક્યોઃ જાપાનના ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિકમાં આજે શનિવારે બીજા દિવસે મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ જીતીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. ત્યારે હવે નજર ટોક્યો ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે એટલે કે, 25 જુલાઇએ યોજાનારી રમતો પર છે. ચાલો તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકના ત્રીજા દિવસે એટલે કે આવતીકાલે રવિવારે ભારત 9 મેચમાં રમશે. આ દિવસ પહેલા ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મેરી કોમ અને પીવી સિંધુ પણ પોતાનું અભિયાન શરૂ કરશે.
આ મેચોમાં રહેશે તમામની નજર
ટોક્યો ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે ભારત બેડમિંટન, બોક્સીંગ, જિમ્નેસ્ટિક્સ, હોકી, સ્વિમિંગ, સેઇલિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને શૂટિંગમાં મેડલ જીતવાના ઈરાદાથી રમશે. પીવી સિંધુ તેના અભિયાનની શરૂઆત મહિલા સિંગલ્સ બેડમિંટનથી કરશે.
મેરી કોમ પાસે મેડલની આશા
બોક્સીંગમાં પુરુષો અને મહિલા બંનેની સ્પર્ધાઓ હશે. મનીષ કૌશિક પુરુષોની લાઇટવેઇટ કેટેગરીમાં ભારત માટે રમશે, મહિલા ફ્લાઇટવેટ કેટેગરીમાં, બધાની નજર છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ પર રહેશે. આ ઉપરાંત, જિમ્નેસ્ટિક્સમાં ભારતની પ્રણતિ નાયક તેની પ્રથમ ઓલિમ્પિક પળને ખાસ બનાવતી જોવા મળશે.
25 જુલાઈના રોજ હોકીની મોટી મેચ
25 જુલાઈના રોજ હોકીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની પુરુષોની ટીમ વચ્ચે મેચ રમાશે. બંને ટીમોએ પ્રથમ મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયા વિશ્વની નંબર વન ટીમ છે, તેથી તેને હરાવવી ટીમ ઈન્ડિયા માટે સરળ રહેશે નહીં. ભારતીય પુરુષ હોકી ટીમે તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોકી મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. હોકી ઉપરાંત રોઈગની પુરુષોની લાઈટવેટની સ્પર્ધામાં અરુણ લાલ અને અરવિંદ સિંહ ભારતીય દાવેદારી રજૂ કરતા જોવા મળશે.
શૂટિંગમાં પણ મેડલની આશા
ટોક્યો ઓલિમ્પિક્સના ત્રીજા દિવસે શૂટિંગમાં મહિલાઓ અને પુરુષોની 10 મીટર એર પિસ્ટોલ ઈવેન્ટ્સના ક્વોલિફિકેશન રાઉન્ડ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમાશે. આ પહેલા 24 જુલાઈએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
આવી સ્થિતિમાં માનુ ભાકર અને યશસ્વિની દેશવાલ રવિવારે ભારતની ચંદ્રકની આશાને જીવંત રાખશે તેવી અપેક્ષા છે. આ સિવાય સેઇલિંગમાં પુરુષો અને મહિલાઓ માટેની સ્પર્ધાઓ યોજાશે.