હૈદરાબાદ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ચોતરફ 'જવાન'ની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર 'ગદર 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર કબ્જો જમાવી રાખ્યો હતો. 'જવાન' ફિલ્મ રિલીઝ થતા જ કબ્જો હવે પોતાના નામે કરી લીધો છે અને બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમામાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.
જવાનની 2 દિવસની કુલ કમાણી: એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાને' એડવાન્સ બુકિંગને લઈ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાને' પ્રથમ 2 દિવસમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાને 2 દિવસમાં લગભગ 127.50 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી છે.
જવાનની ત્રીજા દિવસની કમાણી: સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાને' પ્રથમ દિવસે લગભગ 74.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે 53 કરોડોની કમાણી કરી હતી. 'જવાન' ફિલ્મ ત્રીજા દિવસે ચાલી રહી છે. ત્રીજા દિવસે પ્રારંભિક અંદાજ મુજબ, 70 કરોડની કમાણી કરી શકે છે અને 3 દિવસમાં કુલ 197.50 કરોડની ઈન્ડિયા નેટ કમાણી થઈ શકે છે. 'જવાન' ફિલ્મમાં શાહરુખ, નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે.
જવાન સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ: બોલિવુડ માટે વર્ષ 2023 ખાસ રહેવાનું છે કારણે કે, આ વર્ષે 'પઠાણ' બાદ 'ગદર 2' અને હવે 'જવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર 'બાહુબલી 2'એ લગભગ 58 કરોડની કમાણી કરી હતી, જ્યારે 'પઠાણે' 57 કરોડની કમાણી કરી હતી. આ વર્ષે શાહરુખ ખાનની બે ફિલ્મ બોક્સ પર ચમકી છે, 'પઠાણ' અને 'જવાન'. રસપ્રદ વાત એ છે કે, શાહરુખની ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ પોતાની જ ફિલ્મ 'જવાને' તોડ્યો છે.