નવી દિલ્હીઃ પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી જાવેદ મિયાંદાદે ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. તેણે કહ્યું કે, પાકિસ્તાને આ વર્ષે યોજાનાર ICC વર્લ્ડ કપ 2023 સહિત અન્ય મેચ માટે પાડોશી દેશ ન જવું જોઈએ. જ્યાં સુધી ભારતીય ક્રિકેટ બોર્ડ તેની ટીમને પહેલા તેમના દેશમાં મોકલવા માટે સંમત ન થાય. ICC દ્વારા તૈયાર કરવામાં આવેલા ODI વર્લ્ડ કપના ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 ઓક્ટોબરે પાકિસ્તાનનો ભારત સામે ટકરાશે.
જાવેદ મિયાંદાદનું નિવેદન: પાકિસ્તાનના 66 વર્ષીય પૂર્વ કેપ્ટન મિયાંદાદનું માનવું છે કે, 'હવે ભારતનો પાકિસ્તાન પ્રવાસ કરવાનો વારો છે.' મિયાંદાદે કહ્યું કે, 'પાકિસ્તાને વર્ષ 2012 અને 2016માં પણ ભારતની મુલાકાત લીધી હતી. હવે અહીં આવવાનો વારો ભારતીયોનો છે.' મિયાંદાદે તો ત્યાં સુધી કહ્યું કે, 'જો તેણે નિર્ણય લેવો હોય તો તે ક્યારેય કોઈ મેચ રમવા ભારત નહીં જાય. વર્લ્ડ કપ 2023 પણ ભારતમાં રમાશે નહીં.' તેમણે કહ્યું કે, 'પાકિસ્તાન હંમેશા ભારત સાથે રમવા માટે તૈયાર છે. પરંતુ ભારત ક્યારેય આવો જવાબ આપતું નથી.'
રમત રાજકારણથી અલગ: ભારતે છેલ્લે 50 ઓવરના એશિયા કપ માટે વર્ષ 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના ભૌગોલિક રાજકીય તણાવને કારણે દ્વિપક્ષીય ક્રિકેટ સંબંધો સ્થગિત છે. મિયાંદાદ માને છે કે, 'રમતન રાજકારણ સાથે ન ભળવી જોઈએ.' તેમણે કહ્યું કે, 'તેઓ હંમેશા કહેતા આવ્યા છે કે કોઈ પોતાના પાડોશીને પસંદ કરી શકે નહીં. તેથી એકબીજાને સહકાર આપવાનું વધુ સારું છે.'
મિયાંદાદની પ્રતિક્રિયા: મિયાંદાદે કહ્યું કે, 'ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને નજીક લાવે છે અને દેશ વચ્ચેની ગેરસમજણો અને ફરિયાદોને દૂર કરી શકે છે.' મિયાંદાદની પ્રતિક્રિયા એવા સમયે આવી છે, જ્યારે પાકિસ્તાનને 'હાઈબ્રિડ મોડલ' હેઠળ આગામી એશિયા કપની યજમાની કરવાની ફરજ પડી રહી છે. જેમાં ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમશે. મિયાંદાદ, જેઓ ભારતનો ટીકાકાર રહ્યા છે, તે આ નિર્ણયથી ખુશ નથી.