ગોપાલગંજ: બોલિવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના પિાત પંડિત બનારસ તિવારીનું અવસાન થયું છે. 99 વર્ષની વયે પંડિત બનારસે દુનિયાને અલવિદા કહ્યું છે. બિહારના ગોપાલગંજના રહેવાસી પંકજ ત્રિપાઠીને તેમના પિતાના અકાળ અવસાનથી આઘાત લાગ્યો છે. હાલ પંકજ ત્રિપાઠી મુંબઈમાં રહે છે, પરંતુ તેઓ પોતાના ગામ અને પરિવાર સાથે આત્મિય સંબંધ ધરાવે છે.
પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસનું નિધન: પંકજ ત્રિપાઠી ગોપાલગંજના વતની હોવાથી તેઓ જ્યારે પણ તક મળે ત્યારે તેઓ ચોક્કસપણે તેમના માતા અને પિતાને મળવા ગામ જતા હતા. બેલસંદ ગામ ગોપાલગંજ જિલ્લાના બરૌલી બ્લોકમાં આવેલું છે. પંકજ ત્રિપાઠી તેમના પિતા સાથે ખેતરોમાં કામ કરતા હતા. તેમણે પિતા સાથેની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમને પોતાના ગામ પ્રત્યે ખુબ જ લગાવ છે. તેઓ ચોક્કસપણે પોતાના ગામ, જુના દિવસો અને તેમના પરિવાર વિશે ઉલ્લેખ કરે છે. તેમણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, ''આજે હું એક્ટર ન હોત તો, પોતાના ગામમાં ખેતી કરતો હોત.''
પંકજ ત્રિપાઠીની ફિલ્મ OMG 2: પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ 'OMG 2' તારીખ 11 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આજે 11માં દિવસે ચાલી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ મહત્ત્વની ભૂમિકામાં છે. જ્યારે પણ તેમની ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેઓ તેમના માતા-પિતાના આશીર્વાદ લેવા માટે ગામ જતા હોય છે. એટલું જ નહિં પરંતુ તેમની ફિલ્મ 'શેર દિલ' રિલીઝ થઈ હતી, ત્યારે તોઓ પોતાના ગામ પહોંચ્યા હતા.