હૈદરાબાદ : સાહો અને રાધે શ્યામ પછી 'બાહુબલી' સ્ટાર પ્રભાસની કારકિર્દીમાં વધુ એક ફ્લોપ ફિલ્મ આદિપુરુષ પણ ઉમેરાઇ છે. દેશમાં વિરોધનો ભોગ બનેલી ફિલ્મ આદિપુરુષ 16 જૂને રિલીઝ થઈ હતી અને 6 જુલાઈએ તેના 21માં દિવસે ચાલી રહી છે. આ ફિલ્મ પહેલા જ દિવસે લોકોના મગજમાંથી ઉતરી ગઈ હતી અને હવે માત્ર સ્ક્રીન પરથી ઉતરવાની બાકી છે. ફિલ્મની 20મા દિવસની કમાણી દર્શાવે છે કે હવે ફિલ્મ બોક્સ ઓફિસ પર વેન્ટિલેટર પર આવી ગઈ છે.
600 કરોડમાં બની : આ ફિલ્મ તેની કિંમત વસૂલવામાં નિષ્ફળ રહી છે. 600 કરોડના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મ કોઈ જોવા માંગતું નથી. આદિપુરુષ ફિલ્મને માત્ર એવા દર્શકો જ જોઈ રહ્યા છે જેઓ જાણવા માંગે છે કે આખરે ફિલ્મ ડાયરેક્ટર ઓમ રાઉત અને ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરે ફિલ્મમાં કેવી કેવી ભૂલો કરી છે.
વીસમા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન : આદિપુરુષના 20મા દિવસ (બુધવાર)ની વાત કરીએ તો તેની અંદાજિત કમાણી 20 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. મોટા બજેટની આ ફિલ્મના નિર્માતાઓ માટે ખરેખર આ આંકડો ખૂબ નિરાશાજનક બાબત છે. ફિલ્મના 20મા દિવસનું કલેક્શન જણાવી રહ્યું છે કે ફિલ્મને લોકોએે કેટલું નુકસાન પહોંચાડ્યું છે. તેનાથી પણ વધુ મોટી વાત એ છે કે આ 20 દિવસમાં ફિલ્મ દેશમાં જ 300 કરોડ રૂપિયાના આંકડાને પણ સ્પર્શી શકી નથી. આ ફિલ્મે અત્યાર સુધીમાં લગભગ 285 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે વિશ્વભરમાં આ ફિલ્મની કમાણી 460 કરોડથી નીચે છે.
ફિલ્મ આદિપુરુષ વિશે : તાન્હાજી ફેમ ડાયરેક્ટર ઓમ રાઉતે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે અને મનોજ મુન્તશીરે આ ફિલ્મના સંવાદો લખ્યા છે. આ ફિલ્મમાં ડાયલોગની ખૂબ ટીકા કરવામાં આવી છે અને તેને અભદ્ર ગણાવવામાં આવ્યાં છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં પ્રભાસ રામ, કૃતિ સેનન સીતા, સની સિંહ લક્ષ્મણ, દેવદત્ત નાગે હનુમાનજી અને સૈફ અલી ખાને રાવણની ભૂમિકા ભજવી છે.