અમદાવાદ: ઢોલિવુડના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર બોક્સ ઓફિસ પર દર્શકોના દિલ જીતવા માટે ફરી એક નવી ફિલ્મ 'જીંદગી જીવી લે' લઈને આવી રહ્યા છે. વિક્રમ ઠાકોરે તેમની લેટેસ્ટ તસવીરની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી છે. વિક્રમ ઠાકોરે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'My new film'. શ્રીજી સીને પ્રોડક્શન દ્વારા 'જીંદગી જીવી લે' ફિલ્મના શુભમુહૂર્ત માટે આમંત્રણ પણ પાઠવ્યું હતું. આ ફિલ્મનુ શુભમુહૂર્ત આજે તારીખ 16 સપ્ટેમ્બરના રોજ આણંદ ખાતે રાખવામાં આવ્યું હતું.
વિક્રમ ઠાકોરની આગામી ફિલ્મ: તારીખ 15 સપ્ટેમ્બરના રોજ વિક્રમ ઠાકોરે પોતાની આગામી ફિલ્મ 'જીંદગી જીવી લે'ની જાહેરાત કરી હતી. આ જાહરેત થતા જ તેમના ચાહકો સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટર પણ તેમણે શેર કર્યું છે. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે. હવે વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં એક નવા અંદાજમાં જોવા મળશે.
ફિલ્મની સ્ટારકાસ્ટ: 'જીંદગી જીવી લે' ફિલ્મના દિગ્દર્શક હરસુખ પટેલ છે. આ ફિલ્મમાં વિક્રમ ઠાકોર, રતન રંગવાણી, જયેન્દ્ર મહેતા, જીતુ પંડ્યા, સની ખત્રી, વિધી શાહ, આરજુ, શ્રવેતા સેન, વૃત્તિ ઠક્કર અને આરતી સોની મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. અન્ય ફિલ્મ સાથે સંબંધિત કલાકારોમાં સંતોષ મિશ્રા, અપ્પુભાઈ, નયના શર્મા, વિરલ પટેલ અને દિલીપ યાદવ સામેલ છે.
વિક્રમ ઠાકોરની ફિલ્મ: વિક્રમ ઠાકોર એ ઢોલિવુડના પ્રખ્યાત કલાકારોમાંથી એક છે. તેઓ ગુજરાત રાજ્યના ગાંધીનગર ફતેહપુરના રહેવાસી છે. વિક્રમને નાનપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો. વિક્રમે 'એકવાર પિયુને મળવા આવજે' ફિલ્મથી કેરિયરની શરુઆત કરી હતી. તેમની સફળ ફિલ્મોમાં જોઈએ તો, 'રાધા તારા વિના ગમતું નથી', 'વાગી કાળજે કટારી તારા પ્રેમની', 'રસિયા તારી રાધા રોકાણી રણમાં' સામેલ છે. તેઓ વર્ષ 2022ની 'પાટણથી પાકિસ્તાન' ફિલ્મમાં જોવા મળ્યા હતા.